સોશ્યલ મીડિયા થકી થઇ મિત્રતા, યુવતીએ બીભત્સ વિડીયો બનાવ્યો, યુવકે આપઘાત કરવો પડે તેવી સ્થિતિ આવી 

દરેક યુવકોએ ચેતવા જેવો છે આ કિસ્સો 

સોશ્યલ મીડિયા થકી થઇ મિત્રતા, યુવતીએ બીભત્સ વિડીયો બનાવ્યો, યુવકે આપઘાત કરવો પડે તેવી સ્થિતિ આવી 
symbolic image

Mysamachar.in-સુરત:

આજના સોશ્યલ મીડિયાના યુગમાં અલગ અલગ પ્લેટફોર્મ પર યુવકો અને યુવતીઓ એકબીજાના સંપર્કોમાં આવતા હોય છે, પરંતુ આવા સંપર્કોમાં જો બ્લેકમેલીંગનો સિલસિલો શરુ થાય તો વ્યક્તિ હતાશ થઈને ક્યારેક આપઘાત સુધીનું પગલું ભરતા પણ અચકાતો નથી આવો જ એક ચેતવણીરૂપ કિસ્સો સુરતમાં સામે આવ્યો છે, મૂળ ઓલપાડનો અને ઉગત-ભેંસાણ રોડ પર રહેતા તેમજ ઓનલાઇન શોપિંગની ઓફિસમાં કમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા 26 વર્ષીય યુવકે 31મી ઓક્ટોબરે મોડી રાતે ઘરમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જ્યારે પરિવારને સભ્યોએ મૃતકનો મોબાઇલ ચેક કરતા તેમાંથી ચોંકાવનારી હકીકતો જાણવા મળી હતી. જેમાં યુવક સાથે યુવતીએ સોશિયલ મીડિયા પર બીભત્સ વાતચીત કરી ફસાવ્યો હતો.

યુવતીએ યુવકનો બીભત્સ વીડિયો બનાવી તેને સોશિયલ મીડિયા પર તેના સંબંધી અને મિત્રોને મોકલવાની ધમકી આપી બ્લેકમેલ કરી રૂપિયા પડાવ્યા હતા. વધુ રૂપિયા માટે સતત બ્લેકમેલ કરતા યુવકે ત્રાસી જઇ ફાંસો ખાધો હતો. જોકે, વીડિયો ડિલીટ કરવા માટે યુવકે વીડિયો કોલ કરીને પોતે યુવતીને આપઘાત કરવાની પણ ચીમકી આપી છતાં તેણે વધુ રૂપિયાની માગણી ચાલુ જ રાખી હતી.સમાજમાં બદનામીના ડરે યુવકે 31મી ઓક્ટોબરે મધરાત્રે 2.18 વાગ્યે પેટીએમથી 5 હજાર, 2.26 વાગ્યે બીજા 5 હજાર તેમજ 2.29 વાગ્યે 10 હજારની રકમ મળી કુલ 20 હજારની રકમ યુવતીને મોકલી આપી હતી છતાં યુવતી તેની પાસે વીડિયો ડિલિટ કરવા માટે વધુ 5 હજારની માંગણી કરી હતી. યુવક પાસે રૂપિયાની વ્યવસ્થા ન થતાં યુવતી તેની પાસે વારંવાર માંગણી કરી માનસિક ત્રાસ આપી રહી હતી.અને અંતે તેણે આપઘાત કરી લેતા આત્મહત્યા મામલે સાયબર ક્રાઇમે યુવતી સહિત બેને પકડી પાડ્યા હતા. આ મામલે રાંદેર પોલીસે આત્મહત્યાનો દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો હતો.