Mysamachar.in-જામનગર:
રાજકોટમાં પોલીસનું હવાલાકાંડ હાલ ભારે ચર્ચામાં છે ત્યારે જામનગર પોલીસ પણ ગત સાંજથી બે બાબતોને લઈને ચર્ચામાં આવી છે, જેમાં પંચકોશી બી ડીવીઝન પોલીસ મથકના એકીસાથે 7 પોલીસકર્મીઓને હેડકવાટરમાં મૂકી દેવાનો ઓર્ડર અને અલીયાબાડા ગામે એક યુવકે પોલીસના કથિત ત્રાસથી કંટાળી કરેલ આત્મહત્યાની કોશિશનો મામલો બન્ને ચર્ચામાં રહ્યા છે. જામનગર નજીક અલીયા ગામે રહેતા કિશન મકવાણા નામના યુવાને સોમવારે સીમ પંથકમાં જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. આથી તેને ગંભીર હાલતમાં રાત્રે સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પીટલમાં ખસેડાયો છે. જ્યાં તેની સારવાર ચાલી રહી છે, તો આ ઘટના સંદર્ભેનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમાં પોલીસકર્મીઓ સામે કથિત આક્ષેપો દ્વારા કરવામાં આવી રહ્યા છે.
ભોગ બનનાર યુવકે પોલીસના કથિત ત્રાસના કારણે આ પગલુ ભરી રહ્યો હોવાનુ વિડીયોમાં જાહેર કરતા પોલીસબેડામાં ચકચાર જાગી છે. આ વિડીયોમાં પોતે દારૂનો ધંધો કરે છે એવા આક્ષેપ પોલીસ લગાવી વારંવાર ઘરે આવતા હોવાથી પિતા સહિત પરીવારે ઠપકો આપતા આ પગલુ ભરી રહ્યો હોવાનુ કિશન મકવાણાએ જણાવ્યું હતું. યુવકના વિડીયોમાં જે સાંભળવા મળે છે તેમા તે બોલે છે ‘હું દવા પીઉ છું, પોલીસવાળાના ત્રાસથી, દારૂનો ધંધો કરતો નથી. મને મારા બાપાએ ઘરેથી કાઢી મૂકયો, ઇ આવ્યા એ લોકો, એના માટે કાયમી ઉઠીને એમ કહે છેકે, તું દારૂનો ધંધો કરે છે નેં ઉપાડી જાય છે, મારે કરવાનું શું ? પોલીસવાળાના ત્રાસથી હું દવા પીઉ છું આ, બરોબર. કિશોરભાઇને શૈલુભા કાયમી આવીને એમ કહે છેકે, તું આ કરે છે, ઓલું કરે છે, બરોબર મારે કરવાનું શું ? એના ત્રાસથી. એ સસ્પેન્ડ થવા જોઇએ. મને જીવવાનું હરામ કરી દીધું છે આ બે-ચાર જણાએ. એ આવ્યા’તા’ને મને મારા બાપાએ કાઢી મૂકયો’ આમ વિડીયોમાં આવું કથન આ યુવકનું સાંભળવા મળે છે, હવે યુવકના પોલીસકર્મીઓ સામેના આક્ષેપોમાં કેટલું તથ્ય તે તપાસનો વિષય છે.