યુવકના માથામાં વાળ કપાવતા લાગી ગઈ આગ 

આજના યુવાઓ જે ફાયર હેરકટનો ચસ્કો લાગ્યો છે તે ચેતે 

યુવકના માથામાં વાળ કપાવતા લાગી ગઈ આગ 

Mysamachar.in-વલસાડ:
બદલાતા સમયની સાથે ફેશન અને ફેશનના ટ્રેન્ડ્સ પણ સતત બદલાઈ રહ્યાં છે. કપડા હોય કે કોસ્મેટિક્સ હેરકટ હોય કે મેકઅપ દરેકમાં અત્યારે જૂનુ ઢબને બદલે નવી પદ્ધતિનો ઉપયોગ થવા લાગ્યો છે. જોકે, કેટલીકવાર નવી ફેશનના નવા ટ્રેન્ડ તમને મુશ્કેલીમાં મુકી શકે છે. વલસાડ જિલ્લાના વાપીમાં રહેતાં એક યુવાન સાથે પણ કંઈક આવું બન્યું.

વલસાડ જિલ્લાના વાપી ખાતે સલૂનમાં એક યુવક વાળ કપાવવા ગયો હતો. કાતરના બદલે જ્વલનશીલ કેમિકલથી સળગાવી વાળ કાપવામાં આવી રહ્યા હતા. ત્યારે ફાયર હેરકટિંગ કરાવતી વખતે યુવક દાઝી ગયો હતો. અચાનક યુવકના માથાના ભાગમાં આગ લાગી ગઈ હતી, જેથી યુવક દાઝી ગયો હતો. યુવકના વાળ ભડકે બળવા લાગતાં તે ચીસો પાડીને દુકાનની બહાર ભાગવા લાગ્યો હતો, જેને પહેલાં પ્રાથમિક સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં અને ત્યાર બાદ વધુ સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

ફાયર હેરકટિંગ દરમિયાન દુર્ઘટના થતાં યુવક દાઝી ગયો હતો. જેથી યુવકના ગળાના ભાગે ઈજા પહોંચી છે. તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે, જેમાં વાળ સાથે અવનવા અખતરા કરવા યુવક માટે ભારે પડ્યું હોય એવું જોવા મળી રહ્યું છે.

વાપીના ભડક મોરા વિસ્તારમાં રહેતા આરિફ નામનો યુવક સ્ટાઈલિસ્ટ વાળ કપાવવા માટે નજીકમાં આવેલા બંટી નામના યુવકના સલૂનમાં ગયો હતો. આરિફે ફાયર હેર કટિંગ પસંદ કર્યા હતા. ત્યારે હેર સલૂનમાં વાળ કાપનાર યુવક આરિફના વાળમાં ફોમ લગાવી વાળ કાપી રહ્યો હતો. આ દરમિયાન યુવક પર આગ લાગી ગઈ હતી, જેથી માથાના ભાગે તેમજ ગળાના ભાગે યુવક દાઝી ગયો હતો. એ દરમિયાન આગ લાગેલી હાલતમાં યુવક ચીસો પાડીને ભાગવા લાગ્યો હતો. એને લઈને આજુબાજુના લોકો યુવકને બચાવવા દોડી આવ્યા હતા. દાઝી ગયેલા યુવકને વલસાડની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તેમજ વધુ સારવાર માટે યુવકને સુરતની સિવિલ હોસ્પિટમાં ખસેડવામાં આવ્યો છે.