યુવકને આવ્યો સ્વરૂપવાન મહિલાનો વિડીયો કોલ, અને પછી શરુ થયો નાણા ખંખેરવાનો ખેલ 

આવા રોજના 20 થી વધુ કિસ્સાઓ બનતા હોવાનું તારણ..

યુવકને આવ્યો સ્વરૂપવાન મહિલાનો વિડીયો કોલ, અને પછી શરુ થયો નાણા ખંખેરવાનો ખેલ 
symbolic image

Mysamachar.in-અમદાવાદ:

સોશિયલ મીડિયા પર અશ્લીલ ફોટો-વીડિયો બતાવીને સામેની વ્યક્તિને પણ ઓનલાઇન નિર્વસ્ત્ર કરાવી તેનો ફોટો પાડી, વીડિયો ઉતારી છેતરપિંડી કરતી ગેંગ એક વર્ષથી સક્રિય થઈ છે. હાલ અમદાવાદ સાઇબર ક્રાઇમમાં આ પ્રકારની છેતરપિંડીની રોજની અંદાજે 20 જેટલી અરજીઓ મળી રહી હોવાનું જાણવા મળે છે, એવામાં શહેરમાં રહેતા એક પરિણીત પુરુષ સાથે ઠગાઈ થઈ હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. આ પરિણીત પુરુષ ઠગ મહિલાની જાળમાં ફસાઈ ગયો હતો. એક મહિલાએ વીડિયો કોલ  કરી આ યુવકને વીડિયો વાયરલ ન કરવા પૈસા માંગ્યા હતા. યુવકે અલગ અલગ સાત ટ્રાન્ઝેક્શનમાં કુલ 66 હજાર ટ્રાન્સફર કર્યા હતા. જે બાબતે સાઇબર ક્રાઇમમાં અરજી કર્યા બાદ હવે વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

અમદાવાદ શહેરના નવા વાડજમાં રહેતો 32 વર્ષીય પરિણીત યુવક ક્રેડિટ કંપનીમાં નોકરી કરે છે. મે માસમાં આ યુવક તેના ઘર પાસે બેઠો હતો ત્યારે એક યુવતીનો વીડિયો કૉલ આવ્યો હતો. જે કૉલમાં તેણીએ જણાવ્યું કે વીડિયો કોલનો વીડિયો અપલોડ ન કરવો હોય તો પૈસા આપવા પડશે. 10 હજાર આપ્યા બાદ ફરી આ મહિલાનો મેસેજ આવ્યો અને યુટ્યુબ પર વીડિયો અપલોડ ન થવા દેવો હોય તો બીજા પૈસા આપો તેવું કહેતા યુવકે ફરી 10 હજાર આપ્યા હતા. બાદમાં ત્રીજીવાર ફોન આવ્યો અને ઇન્સ્ટાગ્રામ પર વીડિયો અપલોડ ન થવા દેવો હોય તો પૈસા આપો તેવું કહેતા યુવકે ફરી રકમ ટ્રાન્સફર કરી હતી. ફરીથી આ મહિલાએ યુવકનો સંપર્ક કરી અન્ય સોશિયલ મીડિયા પર વીડિયો ન મૂકવા અને વીડિયો ડિલીટ કરવા માટે નાણાંની માંગણી કરી હતી. યુવકે કુલ સાત અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરી ઓનલાઈન 66 હજાર ટ્રાન્સફર કર્યા બાદ પણ મહિલાએ રૂપિયાની માંગણીઓ કરતા આખરે યુવકે સાઇબર સેલનો સંપર્ક કર્યો હતો. સાઇબર ક્રાઇમે યુવકની અરજી લઈ લીધી હતી અને હવે વાડજ પોલીસે ગુનો નોંધી આ પ્રકારની ઠગાઈ આચરતી ગેંગ સામે તપાસ હાથ ધરી છે.