યુવકે માત્ર 9 રૂપિયા સામે ગુમાવ્યા 8200, તમેય ધ્યાન રાખજો

ઓનલાઇન છેતરપીંડિ

યુવકે માત્ર 9 રૂપિયા સામે ગુમાવ્યા 8200, તમેય ધ્યાન રાખજો
પ્રતિકાત્મક તસવીર

Mysamachar.in-મોરબીઃ

ડિજિટલ જમાનામાં ઓનલાઇન પૈસા-લેતી કે ઘર બેઠા વસ્તુની ખરીદી કરવાનો ક્રેઝ વધી રહ્યો છે, પરંતુ ઓનલાઇન ટ્રાન્જેક્શનમાં જો ધ્યાન ન રાખાવામાં આવે તો છેતરપીંડિ થતા વાર નથી લાગતી, લેભાગુ તત્વો તકનો લાભ લેવા તૈયાર જ બેઠા છે. આવું જ બન્યું મોરબીના એક યુવક સાથે, માત્ર 9 રૂપિયાના ટ્રાન્જેક્શનના બદલામાં યુવકે 8200 રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો. મોરબીના લાઇસન્સ નગરમાં રહેતાં રવિ બધેલ નામના યુવકે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી કે તેણે ગત 14 તારીખે ઓનલાઇન પાંડા નામની વેબસાઇટ પરથી ઘડિયાળ મગાવી હતી. જો કે ઘડિયાળની ડિલિવરી ન થતા તેણે કંપનીના હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો હતો, હેલ્પલાઇનમાંથી રવિને એક લિંક મોકલવામાં આવી જે ઓપન કરી રૂપિયા 9 જમા કરાવવાનું કહેવામાં આવ્યું. માત્ર 9 રૂપિયાની નાની રકમ હોવાથી રવિએ તુરંત એ લિંક ઓપન કરી બેંક ઓફ બરોડાના ATMમાંથી પેમેન્ટ કરી નાખ્યું. પરંતુ થોડી જ ક્ષણોમાં રવિના ખાતામાંથી 8200 રૂપિયા કપાયાનો મેસેજ આવ્યો. કંઇક ખોટું થયાનું જાણવા મળતા રવિએ પોલીસમાં ઓનલાઇન છેતરપીંડિની રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે હાલ ડિજિટલાઇઝેશનના યુગમાં ઓનલાઇન પૈસાની લેતી-દેતીના ફ્રોડના અનેક કિસ્સાઓ આવતા રહે છે, ત્યારે સામાન્ય જનતાએ આ પ્રકારની છેતરપીંડિથી બચવા આ પ્રકારના કિસ્સામાંથી પ્રેરણા લઇ સાવધ રહેવું જોઇએ.