તમને લાગશે આ પાણીનું પાઉચ છે, ના પણ એવું નથી વાંચો સંપૂર્ણ વિગત

પાણીના પાઉચમાં દેશીદારૂનો વેપલો

તમને લાગશે આ પાણીનું પાઉચ છે, ના પણ એવું નથી વાંચો સંપૂર્ણ વિગત

Mysamachar.in-રાજકોટ

દારૂબંધી વચ્ચે દારૂની રેલમછેલ હમણાં હમણા તો ખુબ સામે આવી રહી છે, અને દારૂનો વેપલો કરતા શખ્સો કોઈ ને કોઈ પ્રકારે દારુ વેચવા માટેનો રસ્તો કાઢી જ લેતા હોય છે અને પોલીસની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરે છે પણ આવું લાંબો સમય ચાલતું નથી, રાજકોટમાં લાલપરી મફતીયાપરામાં પાણીના પાઉચની આડમાં દારુ વેંચતો હોવાની બાતમીના આધારે આજે શહેર ક્રાઇમ બ્રાંચે દેશી દારૂના ધંધાર્થીનો એક નુસખો ઉઘાડો પાડ્યો છે. જે દેશી દારૂના એવા પાઉચ બનાવતો હતો. જેમાં પહેલી નજરે જોતાં પાણીના પાઉચ દેખાય. તેના ઉપર માર્કો પણ રોયલ વોટરનો હોય પણ હકિકતે આ દેશી દારૂનું પાઉચ હતું પોલીસ પણ જયારે પ્રાથમિક ખરાઈ કરી ત્યારે પોલીસ ખુદ આ તુક્કો જોઇને આશ્ચર્યમાં પડી જવા પામી હતી,

પ્રાપ્ત માહિતી અનુસાર, લાલપરીમાં રહેતો શખ્સ દેશી દારૂના એવા પાઉચ બનાવતો હતો જે પહેલી નજરે જોતાં પાણીના પાઉચ દેખાય તેના ઉપર માર્કો પણ રોયલ વોટરનો હોય અને કિંમત રૂ. 1.25 એટલે કે સવા રૂપિયો લખેલી હોય છે. પણ હકિકતે આ દેશી દારૂનું પાઉચ હોય છે. વિગતે વાત કરીએ તો, લાલપરી મફતીયાપરામાં આરએમસી પ્લાન્ટ બિલ્ડીંગ અને શુલભ શૌચાલય વચ્ચેના ભાગે રહેતો રાજેશ છગનભાઇ મકવાણા નામનો શખ્સ દેશી દારૂનો જથ્થો બહારથી મંગાવી બાદમાં પ્લાસ્ટીકના પાણીના પાઉચની કોથળીઓમાં દારૂ ભરી નાના પાઉચ બનાવી વેંચતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાન્ચના સ્ટાફને મળતા દરોડા પાડવામાં આવતાં રાજેશ ભાગી ગયો હતો પરંતુ, ઘર માંથી 195 લિટર દારૂ રૂ. 3900નો પાઉચ બનાવવાનું રો મટીરીયલ્સ તથા પાઉચને પેક કરવા માટેના ત્રણ ઇલેકટ્રીક મશીનો રૂ 3000ના મળી કુલ રૂ 6900નો મુદ્દામાલ મળતાં તે કબ્જે કરાયો હતો. પોલીસ અનુસાર, ભાગી ગયેલા રાજેશ વિરૂધ્ધ ગુનો નોંધાયો છે.