Mysamachar.in-જામનગર:
તાજેતરમાં જામનગરના તળાવની પાળ પર પોતે પોલીસ ના હોવા છતાં પોલીસની ઓળખ આપી અને સિક્યુરીટી અને અન્ય લોકોને દાંટી મારનાર દ્વારકાના રહીશ એવા નકલી પોલીસને અસલી પોલીસે ઝડપી પાડી ગુન્હો દાખલ કર્યા બાદ આવો જ વધુ એક ખેલ નકલી પોલીસનો સામે આવ્યો છે, પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્મદિવસની ઉજવણી કરતા યુવકો પાસેથી ઝડપાયેલા નકલી પોલીસે પોતે પોલીસ હોવાની ઓળખ આપી 8000 રૂપિયા પડાવી લીધાની વધુ એક ફરિયાદ દાખલ થઇ છે,પોલીસ મથકે નોંધાયેલ વિગતો મુજબ…
જામનગરમાં દિ.પ્લોટ 49 આશાપુરાના મંદિર પાસે હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા સંજયભાઈ મંગે નામનો યુવાન તેના મિત્રો સાથે પ્રદર્શન ગ્રાઉન્ડમાં જન્મ દિવસની ઉજવણી કરી રહ્યો હતો. આ દરમ્યાન એક શખ્સ ત્યાં પહોચી ફરિયાદીને પોલીસ હોવાની ઓળખ આપી પોતે પોલીસના યુનિફોર્મ વાળો ફોટો બતાવી ફરિયાદીને જણાવેલ કે ‘તમે આચારસંહિતાનો ભંગ કરેલ છે જેથી તમારા ઉપર કેસ કરવામાં આવશે’ તેમ કહી ગાળાગાળી કરી ફરિયાદી તથા તેના મિત્રોને પટ્ટા વડે માર મારી કેસ ના કરવાના બદલામાં 25,000 રૂપિયાની માંગણી કરી હતી. રકઝકના અંતે 8000 રૂપિયા પડાવી લીધા હતા. અને આ વાત કોઈ ને કહેશે તો ખોટા કેસમાં ફીટ કરી 10 વર્ષ સુધી જેલમાં મોકલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે સંજયભાઈ મંગેની ફરિયાદને આધારે પોલીસ દ્વારા ઝડપાયેલ નકલી પોલીસ એવા બુધા બુધા ઉર્ફે બ્રિજેશભાઇ શીયાભાઇ ચાસીયા વિરુદ્ધ નોંધાઈ હોવાની એ ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર એમ.જે.જલુએ જણાવ્યું હતું.