ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી વીજપોલ કંપની દ્વારા ખેતરોમાં થતા વ્યાપક નુકસાન અંગે તંત્રને લેખિત રજૂઆતો

તાકીદે કાયદાકીય કડક પગલા લેવા માંગ

ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાનગી વીજપોલ કંપની દ્વારા ખેતરોમાં થતા વ્યાપક નુકસાન અંગે તંત્રને લેખિત રજૂઆતો
તસ્વીર:કુંજન રાડિયા

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

ખંભાળિયા તાલુકામાં વિજપોલ ઉભા કરવા અંગેની કામગીરી જુદા-જુદા વિસ્તારોમાં ચાલી રહી છે. ખાનગી કંપની જે.કે.ટી.એલ. દ્વારા ચાલી રહેલી આ કામગીરી સંદર્ભે વિવાદ તથા ફરિયાદ પણ થયા છે. ખાનગી કંપની દ્વારા ખેતરોમાં ખેતર માલિકની મંજૂરી વગર થઈ રહેલી કામગીરી તથા નુકશાનીના મુદ્દે ધરતીપુત્રો દ્વારા સબંધિત તંત્રને રજૂઆતો પણ થઈ છે. જે.કે.ટી.એલ. કંપની દ્વારા ખંભાળિયા તાલુકાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં વીજ લાઈન અંગેના પોલ ઉભા કરવાની કામગીરીમાં અનેક ખેડૂતોને હાલાકી સાથે ખેતીની જમીન તથા વાવેતરના નુકશાની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી છે.

આ પ્રકારની વધુ એક ફરિયાદ અરજી ખંભાળિયા તાલુકાના કંડોરણા ગામે રહેતા અને ખેતીની જમીન ધરાવતા નાનજીભાઈ મૂળજીભાઈ નકુમ દ્વારા જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ વડાને સવિસ્તૃત ફરિયાદ અરજી કરવામાં આવી છે. ખાનગી વીજ કંપની દ્વારા આ આસામીના ખેતરમાં વીજપોલ ઉભો કરવામાં આવતો નથી. તેમ છતાં પણ અહીં કંપની દ્વારા અન્યત્ર ચાલી રહેલા વીજપોલ ઉભા કરવા તથા વીજલાઇન ખેંચવા અંગેની કામગીરી દરમિયાન તેમના ખેતરમાં કોઇપણ જાતના પ્રવેશની મંજૂરી વગર વિવિઘ પ્રકારનો સરસામાન તથા તોતિંગ વાયર (તાણીયા) રાખવામાં આવ્યા છે. જેના કારણે અરજદારને ખેતરમાં વાવેતર કરવામાં હાલાકી સાથે વ્યાપક પ્રમાણમાં નુકશાનીનો સામનો કરવો પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

હાલ ચોમાસાની ખેડની મોસમમાં કંપની દ્વારા ખેતીની જમીન પર વિવિધ પ્રકારનો સામાન રાખવામાં આવ્યો હોય અને આ માટેની મંજૂરી પણ લેવામાં ન આવી હોય, તે મુદ્દે તંત્રને સવિસ્તૃત લેખિત રજૂઆત કરી કડક પગલાં લેવા તેમજ અંગે જો તાકીદે પ્રશ્નનું નિરાકરણ નહિ આવે તો કાયદા મુજબની કાર્યવાહી કરવા પણ રજૂઆત પત્રમાં કરવામાં આવી છે. ઉપરોક્ત આસામી દ્વારા ખાનગી કંપની સામે તાત્કાલિક ધોરણે કાયદાકીય પગલા લેવાની માંગ પણ જિલ્લા પોલીસ વડાને ફરિયાદ અરજીમાં કરવામાં આવી છે.