પબુભા માણેકને ધારાસભ્યપદ ગુમાવવું પડ્યું,તો આ ગામના મહિલાની કાનૂની લડત બાદ મળ્યું સરપંચપદ

પબુભા માણેકને ધારાસભ્યપદ ગુમાવવું પડ્યું,તો આ ગામના મહિલાની કાનૂની લડત બાદ મળ્યું સરપંચપદ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા બેઠકના ભાજપના ધારાસભ્ય પબુભા માણેકના ઉમેદવારીપત્રકમાં ખામીને કારણે તેને પડકારતી અરજી હાઇકોર્ટે માન્ય રાખીને દ્વારકા બેઠકની ચૂંટણી રદ કરતા પબુભાને ધારાસભ્યપદ ગુમાવવાનો વારો આવ્યો છે,ત્યારે કલ્યાણપુર તાલુકાનાં હડમતીયા ગ્રામ પંચાયતની સરપંચપદની ચૂંટણી પરિણામને પડકારતી અરજીમાં અદાલતે મહત્વનો ચુકાદો આપીને ચૂંટણી પરિણામ રદ કરીને પ્રતિસ્પર્ધી મહિલા ઉમેદવારને સરપંચપદે જાહેર કરવાનો હુકમ કર્યો છે,

આ કેસની વિગત એવી છે કે કલ્યાણપુર તાલુકાનાં હડમતીયા ગ્રામ પંચાયતના સરપંચના હોદ્દા માટેની ચૂંટણીનું ગત તા.૨૭/૧૨/૨૦૧૬ના મતદાન થયેલ અને રાધાબેન ધરણાંતભાઈ વરૂ અને સવધીબેન જેઠાભાઇ વરૂએ સરપંચપદના હોદ્દા માટે ઉમેદવારી નોંધાવીને ચૂંટણી લડ્યા હતા અને ગત તા.૨૯/૧૨/૨૦૧૬ના રોજ મત ગણતરી દરમ્યાન સવધીબેન જેઠાભાઇ વરૂને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

જેની સામે રાધાબેન ધરણાંતભાઈ વરૂએ ચૂંટણી અધિકારી સમક્ષ વાંધાઓ રજૂ કરવા છતા માન્ય રાખવામા ન આવતા અંતે નારાજ થઈને રાધાબેન વરૂ તેમના વકીલ મારફત કલ્યાણપુર અદાલતમાં આ પરિણામને ચેલેન્જ કરતી અરજી દાખલ કરીને એવી રજૂઆત કરવામાં આવી કે મતદાનની પ્રક્રિયામાં ગેરરીતિ થયેલ છે અને મતકુટીરમાં સ્ટેમ્પપેડ રાખવામા આવેલ હતા,તેના કારણે મતદારોએ મતદાન કરતી વખતે પોતાનો મત અંગૂઠા કરી આપેલો હતો અને આવા અંગૂઠાની છાપવાળા મતો અમાન્ય ગણવામાં આવ્યા હતા,

તેવી દલીલ કરાયા બાદ અમાન્ય મતો મંગાવવા માટે અરજ કરતા અદાલતે આ અરજી ગ્રાહ્ય રાખીને તમામ અમાન્ય મતો કોર્ટમાં રજૂ કરવાનો હુકમ કર્યો હતો અને બંને પક્ષોની મૌખિક તથા દસ્તાવેજી પુરાવા રજૂ થયા બાદ અરજદાર રાધાબેન ધરણાંતભાઈ વરૂના વકીલની દલીલો ધ્યાનમાં લઈને અદાલતે ચૂંટણી અધિકારીઓની બેદરકારીના કારણે પરિણામ પર અસર થયેલ છે તેવું નોંધીને હડમતીયા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીનું ગત તા.૨૯/૧૨/૨૦૧૬નું જાહેર થયેલ પરિણામ રદ કરીને અરજદાર રાધાબેન ધરણાંતભાઈ વરૂને સરપંચ તરીકે ચૂંટેલા જાહેર કરાયા છે.