Mysamachar.in:અમદાવાદ:
આજના આધુનિક યુગમાં જો સાવચેતી રાખવામાં ના આવે તો ગઠિયાઓ આપણું બેંક એકાઉન્ટ એક મીનીટમાં સાફ કરી શકે છે, અમદાવાદના પાલડીમાં રહેતી એક મહિલાએ નેટબેંકિંગ બંધ થતાં ગુગલ પરથી એસબીઆઇના કસ્ટમરકેર નંબર શોધીને કોલ કરતાં ગઠિયાએ મહિલા પાસે એક એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રૂ.7.7 લાખ ઉપાડી લેવાનો મામલો સાઈબર ક્રાઈમ પોલીસ મથક સુધી પહોચ્યો છે.અમદાવાદ શહેરના નારણપુરામાં રહેતી ભાવિકા શુક્લએ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તેઓ એસબીઆઈમાં એકાઉન્ટ ધરાવે છે. તેમનું યોનો નેટબેંકિંગ બંધ થતાં તેમણે ગત 1 નવેમ્બરે ગુગલ પરથી એસબીઆઈ કસ્ટમરકેરનો નંબર શોધી ફોન કરતા અજાણી વ્યક્તિએ એનીડેસ્ક નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી.
બાદમાં નવ ડિજિટનો નંબર માગતા ભાવિકાએ તે નંબર આપ્યો હતો. સામેની વ્યક્તિએ મોબાઈલનો એક્સેસ તેમની જાણ બહાર મેળવી લઈને યોનોની સાઈટ ખોલી, યૂઝર પાસવર્ડ નાખવાનું કહેતાં તેણે એ પ્રમાણે કર્યું હતું, ત્યારબાદ મોબાઈલમાં આવેલ મેસેજ વાંચ્યા વગર ડિલિટ કરવાનું કહેતાં તેમણે મેસેજ ડિલિટ મારી દીધો હતો. ગઠિયાએ 24 કલાકમાં નેટબેંકિંગ ચાલુ થવાનું જણાવ્યું હતું.ત્યારબાદ ભાવિકાએ પાસબુકમાં એન્ટ્રી કરાવતા અલગ અલગ ટ્રાન્જેક્શનથી રૂ.4.80 લાખ ઉપડી ગયા હતા. જેથી તેમણે નેટબેંકિંગ બ્લોક કરવાનું કહ્યું હતું પણ તે થયું ન હતું. તે દરમિયાન પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરીને કુલ રૂ.7.71 લાખ ઉપાડી લેતા તેણીએ આ મામલે સાઈબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરુ કરી છે.