19 લાખથી વધુની કિમતના એમડી ડ્રગ્ઝ સાથે મહિલા ઝડપાઈ

રેલ્વે સ્ટેશનથી બહાર નીકળતા જ પોલીસે તપાસ કરતા

19 લાખથી વધુની કિમતના એમડી ડ્રગ્ઝ સાથે મહિલા ઝડપાઈ
symbolic image

Mysamachar.in-સુરત

રાજ્યમાં દારુ ઉપરાંતના માદકદ્રવ્યો મળી આવવાનો સિલસિલો યથાવત છે, એવામાં મહિલા પાસેથી લાખો રૂપિયાની કિમતના એમડી ડ્રગ્ઝનો જથ્થો મળી આવ્યો છે, વાત કઈક એવી છે કે સુરત રેલવે સ્ટેશન સામેથી એસઓજીએ બાતમીના આધારે 28 વર્ષીય એક યુવતીને 19.80 લાખ રૂપિયાના એમડી ડ્રગ્સ સાથે ઝડપી હતી. જયારે આ ગુન્હામાં બે વોન્ટેડ પણ છે, એસઓજીને બાતમી મળી હતી કે સુરતની યાસ્મીનબાનુ મુંબઈથી ડ્રગ્સ લઈને આવે છે. તેથી રાત્રે 2.30 વાગ્યે સુરત રેલવે સ્ટેશન સામે વોચ ગોઠવી હતી. રેલવે સ્ટેશન બહાર યાસ્મીનબાનુ ઉર્ફ મન્ના કાદરિયા શેખ આવતા તેને ઉભી રાખી તેની પૂછપરછ તપાસ કરતા તેની પાસેથી 198 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું.

તેની કિંમત 19.80 લાખ રૂપિયા થાય છે. પોલીસે તેની પાસેથી ફોન અને ડ્રગ્સ કબજે કર્યું હતું. પુછપરછમાં તેણીએ જણાવ્યું હતું કે, આ ડ્રગ્સ તેના બનેવી મો.સાજીદ સલીમ કુરેશીએ મુંબઈથી મંગાવ્યું હતું. તે ડ્રગ્સ લેવા મુંબઈ ગઈ હતી. ત્યાંથી આરોપી સોનુએ તે ડ્રગ્સ આપ્યું હતું. અહીં તે ડ્રગ મો.સાજીદને આપવા માટે જતી હતી.આ કેસમાં પોલીસે ગુન્હો નોંધી આ ડ્રગ્ઝકાંડના તાર મુંબઈ અને સુરત ઉપરાંત ક્યાં સુધી છે તેની તપાસ હાથ ધરી છે.