દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 143 ટકા વરસાદ થતાં પાક-પાણીનું ચિત્ર ઉજળું

મેઘ વિરામ થતા લોકોમાં હાશકારો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 143 ટકા વરસાદ થતાં પાક-પાણીનું ચિત્ર ઉજળું
file image

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે ચોમાસાની ઋતુનો પ્રારંભ મોડો પરંતુ અંતમાં સાનુકૂળ માહોલ વચ્ચે આ ઋતુ હાલ મહદઅંશે પૂર્ણ થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ ચાર તાલુકાઓમાં સો ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. હાલ છેલ્લા થોડા દિવસ પૂર્વેના નોંધપાત્ર વરસાદ છેલ્લા કેટલાક દિવસોથી મેઘ વિરામ રહેતા લોકોએ તથા ખાસ કરીને ધરતીપુત્રોએ પણ રાહતનો દમ ખેંચ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સૌથી વધુ વરસાદ દ્વારકા તાલુકામાં 32 ઈંચ (803 મી.મી.) સાથે 158.38 ટકા નોંધાયો છે. આ ઉપરાંત કલ્યાણપુર તાલુકામાં 48 ઈંચ (1,208 મી.મી.) સાથે 146.07 ટકા કુલ વરસાદ નોંધાયો છે. જ્યારે ખંભાળિયા તાલુકામાં સાડા 44 ઈંચ (1115 મિલીમીટર) સાથે 142.58 ટકા અને ભાણવડ તાલુકામાં 36 ઈંચ (902 મી.મી.) સાથે 127.31 ટકા વરસાદ વરસ્યો છે.

આમ, સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સરકારી ચોપડે 142.84 ટકા કુલ સરેરાશ વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મેઘવિરામ વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી વરાપ સાથે નોંધપાત્ર ગરમીભર્યો માહોલ છવાયો છે. જિલ્લાના નાના-મોટા જળાશયો હાલ ભરચક છે અને મહદઅંશે સોળ આની વર્ષ હોવાનું મનાઈ રહ્યું છે. રાજ્યના અન્ય જિલ્લાઓની સરખામણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લો વરસાદની દ્રષ્ટિએ સદ્દભાગી બની રહ્યો છે. હાલ જિલ્લામાં રોકડીયા મનાતા પાકો મગફળી તથા કપાસનું વાવેતર વધુ થયું છે. આ ઉપરાંત ધાન્ય તથા કઠોળનું વાવેતર પણ અનેક ખેડૂતોએ કર્યુ છે. જેના સાનુકૂળ પરિણામો આગામી સમયમાં જોવા મળશે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ચોમાસાની વિદાય નક્કી છે અને હવે નોંધપાત્ર વરસાદ વરસવાની સંભાવના નહિવત્ છે.