Mysamachar.in-અમદાવાદ:
થોડા દિવસો પૂર્વે હવામાન વિભાગે કરેલી આગાહી સાચી પડી હોય તેમ ગઈ સાંજથી જામનગર સહીત રાજ્યના મોટાભાગના શહેરોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યા બાદ મોડી રાત્રીના વરસાદી ઝાપટાઓ પડવાની શરૂઆત થઇ ચુકી હતી, આજે સતત બીજા દિવસે પણ જામનગર સહીત રાજ્યના કેટલાય શહેરોમાં વાતાવરણમાં પલટા સાથે વરસાદી ઝાપટાઓ પડી રહ્યા છે, અને જાણે શિયાળો નહિ પરંતુ ચોમાસું હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે,
રાજ્યના અનેક શહેરમાં ધીમીધારે વરસાદી વરસી રહ્યો છે, તો કેટલાક વિસ્તારમાં ઝરમર ઝરમર વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી છવાયેલા જોવા મળ્યા હતા. વિસ્તારોમાં કમોસમી કમોસમી વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. વરસાદી ઝાપટાં સાથે શહેરમાં ઠંડક પ્રસરી ગઈ છે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અચાનક વાતાવરણ પલટો આવી જતા અમદાવાદમાં કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડ્યો છે. હવામાન વિભાગની આગાહી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે 2 દિવસ રાજ્યમાં ઠંડીનું જોર ઘટશે જ્યારે બે દિવસ બાદ રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધી શકે છે.
બીજી તરફ માવઠાને કારણે ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.મહેસાણા, અરવલ્લી, બનાસકાંઠા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, મોરબી, કચ્છ, સુરેન્દ્રનગર સહિતના જીલ્લામાં કમોસમી વરસાદ નોંધાયાનું જાણવા મળે છે.
-ખંભાળિયા સહિત જિલ્લામાં કમોસમી માવઠું: વાતાવરણમાં પલટો
ખંભાળિયા સહિત જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ઠંડીનું પ્રમાણ ઘટયા બાદ ગઈકાલથી વાતાવરણમાં પલટો શરૂ થયો હતો. ગતરાત્રે ફૂંકાયેલા ઠંડા પવન બાદ બદલાયેલા મોસમથી વાદળોની જમાવટ થઈ હતી. આજે સવારથી ખંભાળિયા પંથકમાં ધીમા છાંટા વચ્ચે સવારે જુદા જુદા વિસ્તારોમાં કમોસમી માવઠું વરસ્યું છે.દેવભૂમિ દ્વારકા ખાતે ગત રાત્રીના હળવા છાંટા વરસ્યા હતા. આ પછી ખંભાળિયા તાલુકામાં આજે સવારથી વારંવાર અવિરત રીતે વરસાદી છાંટા વરસવાના કારણે માર્ગો પાણીથી તરબતર બન્યા હતા. આટલું જ નહિ, ધીમા પવન સાથે વાતાવરણમાં એકાએક આવેલા પલટાથી સુસવાટા મારતા પવનમાં લોકોએ કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો હતો.આમ, આજે સવારે સ્વેટર-ટોપી સાથે રેઇનકોટ અને છત્રી પણ અનિવાર્ય જણાઇ હતી. આ કમોસમી માવઠાને કારણે ખેતરોમાં ઉભેલા પાકને નુકશાની થવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી છે. આજે સવારે મોડે સુધી સૂર્યનારાયણના દર્શન થયા ન હતા. વાતાવરણમાં આવેલા આ પલટાથી જનજીવન પ્રભાવિત બન્યું છે અને આગામી દિવસોમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ આવે તેવી સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે.