જામનગર લોકસભાની બેઠક ભાજપના પ્લાન સામે કોંગ્રેસ પાટીદારને ટિકિટ આપશે..?

શું છે રણનીતિ..?

જામનગર લોકસભાની બેઠક ભાજપના પ્લાન સામે કોંગ્રેસ પાટીદારને ટિકિટ આપશે..?

Mysamachar.in-જીતુ શ્રીમાળી:જામનગર

જામનગર લોકસભા બેઠક જીતવા ભાજપ દ્વારા અનેક દાવપેચ લગાડીને પણ આ બેઠક કોઈપણ ભોગે હાસલ કરવા માટે ફુલપ્રુફ પ્લાન બનાવવામાં આવી રહ્યો છે અને આવતીકાલે ભાજપ દ્વારા ઉમેદવારી પસંદગી બાબતે સેન્સની પ્રક્રિયા પણ હાથ ધરાશે. ત્યારે જામનગરની લોકસભાની બેઠકને લઈને કોંગ્રેસે  પણ પાટીદાર ફેક્ટરને ધ્યાનમાં રાખી કદાચ પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારે તેવી પૂરેપુરી શક્યતા જોવાઈ રહી છે,

સૌરાષ્ટ્રમાં ૮ લોકસભા બેઠકોમાંથી પોરબંદર, અમરેલી, જુનાગઢ, રાજકોટ બંને પક્ષે પાટીદાર ઉમેદવારો નક્કી મનાઈ રહયા છે. જેની સામે જામનગરની બેઠક પર ભાજપના સંભવિત આહિર ઉમેદવાર સામે આ વખતે કોંગ્રેસે મોટો દાવ ખેલીને પાટીદાર ઉમેદવારને મેદાનમાં ઉતારવાની હાલ તો તૈયારી કરી છે અને  હાર્દિક પટેલના કાનૂની ગૂંચવણના કારણે જામનગરની બેઠક પર ક્યા ઉમેદવારને ઉભા રાખવા તે નકકી થઈ શકતું નથી,

પાટીદાર સમાજમાંથી ઉમેદવાર ઉભા રાખીને પાટીદાર મતોને પોતાના તરફ ખેંચવા માટે નવો દાવ ખેલે તો નવાઈ નહીં, કેમ કે ગત વિધાનસભામાં પાટીદારોના પ્રભુત્વવાળી કાલાવડ, જામનગર ગ્રામ્ય અને જામજોધપુર બેઠક પર ભાજપને મળેલ ૧,૭૧,૧૮૧ની સામે કોંગ્રેસને ૨,૧૩,૦૪૭ લાખ મતો મળ્યા હતા અને પાટીદારોના આંદોલનના કારણે આ તમામ બેઠક કોંગ્રેસે કબજે કરી હતી. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લાની બંને બેઠકો પરથી કોંગ્રેસને ભાજપ કરતા વધુમાં મતો મળ્યા હતા અને કોંગ્રેસને પાતળી સરસાઇથી ૫૩૦૭ ની લીડ મળી હતી, જે ધ્યાને લઈને કોંગ્રેસ દ્વારા આ વખતે કઈક નવું કરવાના મૂડમાં લાગે છે,

આ બેઠક પર પાટીદારો ઉપરાંત મુસ્લિમ, આહિર, દલિતો અને ક્ષત્રિયોના મળતો નિર્ણાયક છે. ત્યારે હજુ પણ સર્જીકલ સ્ટ્રાઈક સામે આ વિસ્તારમાં પાક વિમો, મગફળીનો મુદ્દો, સિંચાઈના પાણીનો પ્રશ્ન ચર્ચામાં રહેશે, આ તમામ બાબતો વચ્ચે ક્યા પક્ષના ઉમેદવારને દિલ્હીની ગાદી સુધી પહોંચાડવા તેનો ફેસલો મતદાતાઑ સિવાય કોઈ નહીં કરી શકે.

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.