Mysamachar.in-જામનગર:
જામનગરમા ખાનગી જાહેર સરકારી સહિતના સ્થળે ઠેર-ઠેર હોર્ડીંગ્સ બેનર લાગ્યા છે, જેમાંથી મોટા ભાગના મંજુરી વગરના છે, તે તમામ તરકટ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના કાબેલ છતા કાલા ઘેલા લાગતા જવાબદાર જે ખરેખર કોઠે નરવા છે તેની તેમજ તેની ખાસ ટીમ ખાનગી અને કચેરીના સભ્યોની બનેલી છે, તેની સંયુક્ત જહેમતથી હોર્ડીગ્સનીમાયાજાળ એ જામનગર ને ઘેરી લીધુ છે, જે ઝળુંબતુ જોખમ હોવા છતા ગેરકાયદેસર હોર્ડીંગ્સ લગાવનાર કે કોર્પોરેશનના જવાબદાર કે જવાબદારોના પેટના પાણી હલતા નથી બીજી તરફ આ માયાજાળ નગરની જે થોડી ઘણી સુંદરતા છે તેને બટ્ટો લગાડે છે,
હવે તો જગજાહેર છે કે જાહેરાતોનાં અગણિત બોર્ડમાં સલામતી સહિતની ગાઇડલાઇનનો સરેઆમ ઊલાળિયો થવા નજર સામે જોવા છતાં તંત્ર ખામોશ કેમ રહે છે તે એક સવાલ છે, ટ્રાફીકવાળા પોઇન્ટ અને માર્ગો ઉપર લાઇટીંગ વાળા અનેક બોર્ડ મુકાય ગયા છે તેના કારણે ટ્રાફીકજામ કે અકસ્માત સર્જાઇ શકે છે કેમકે લોકોનું ધ્યાન લાઇટીંગ હોર્ડીંગ્સ ઉપર ખેંચાતા આવું બની રહ્યું છે. છતાંય નિયમો વિરૂધ્ધ દરેક બોર્ડ મુકવામાં આવ્યા છે. દરિયા કાઠાળા જામનગરમાં જો સામાન્ય વાવાઝોડુ આવે તો અનેક હોર્ડીંગ્સ કોઇકનો જીવ લઇ શકે તેમ હોવા છતાંય હજુ સુધી મહાપાલીકાએ જોખમી હોર્ડીંગ્સ શહેરમાં કેટલા છે તેનો કોઇપણ પ્રકારનો સર્વે કરવામાં આવ્યો નથી. શહેરમાં જાહેરાતોનાં અગણિત બોર્ડમાં સલામતી સહિતની ગાઇડલાઇનનો સરેઆમ ઉલાળીયો છતાં તંત્ર ખામોશ કેમ ? એક તરફ શહેરના બ્યુટીફીકેશન પાછળ લાખોનો ખર્ચ બીજી તરફ ધજીયા ઉડાડતા હોર્ડીંગ્સ શહેરની સૌંદર્યને ઝાંખપ આપી રહ્યા છે. છતાંય તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે
સામાન્ય રીતે ખાનગી રહેણાક દુકાન શોરૂમ કારખાના કે સંસ્થાઓની દિવાલ ઉપર સ્ટ્રક્ચર સ્ટેબીલીટીની પરવા વગર કોર્પોરેશનની મંજુરી વગર તેમજ કોર્પોરેશનના પણ અમુક લોકેશન ઉપર ડીઝાસ્ટર મેનેજમેન્ટના નિયમ વિરૂદ્ધ બોર્ડ મોટા હોર્ડીગ્સ લટકે છે., વર્ષો જુના સડેલા લોખંડના હોર્ડીંગ્સ હજુ શહેરમાં ઉભા છે. 2 1 મી સદીમાં હજુ 18મી સદીના હોર્ડીંગ્સ શહેરમાં આડેધડ ઉભા છે તેમજ ટ્રાફીક સિગ્નલો હોય ત્યાં હોર્ડીંગ્સ ન હોવા જોઇએ તેવા અનેક નિયમો ઘડવામાં આવ્યા છે. ટ્રાફીક સિગ્નલો પાસે જાહેર ખબરનાં બોર્ડ હોવાથી લોકોની નજર ત્યાં ખેંચાય છે અને ટ્રાફીકજામ કે નાના-મોટા અકસ્માત થાય છે પરંતુ એકપણ નિયમોનું પાલન કરવામાં આવતું નથી માટે મહાપાલીકાએ હોર્ડીંગ્સ ડીઝાઇનમાં ધરખમ ફેરફારો કરી ડીઝાઇન બદલી નાંખવી જોઇએએક તરફ ખાનગી સહિત 440 સાઇટ હોર્ડીંગ્સ મોટા બોર્ડની માન્ય છે અને એટલી જ કીઓસ્ક માટે છે તો નગરમા પાંચ હજાર જેટલા નાના મોટા બોર્ડ જેમાંથી અમુક વધુ જોખમી રીતે શા માટે ઝળુંબે છે???
-સ્માર્ટ સિટીની વાતો માત્ર હવામાં
વર્ષોથી શહેરને સ્માર્ટ સીટી બનાવાની વાતો થઇ રહી છે. જે સુધારવાનું હોય તેના તરફ ધ્યાન કેમ દેવામાં આવતું નથી. સ્માર્ટ સીટીની વ્યાખ્યા પ્રમાણે જુના જમાના હોર્ડીંગ્સની ડીઝાઇન બદલાવી જોઇએ ત્યારે ખરા અર્થમાં સ્માર્ટ સીટી કહેવાશે