જામનગરની આ 'રોયલ' ઝૂંપડપટ્ટી હજૂ શા માટે નથી થતી ખાલી  ?!

સુપ્રિમ કોર્ટમાં ચૂકાદો કોર્પોરેશનની તરફેણમાં છતાં, જમીનો પર હજુ કબજો દબાણકારોનો  ! 

જામનગરની આ 'રોયલ' ઝૂંપડપટ્ટી હજૂ શા માટે નથી થતી ખાલી  ?!

Mysamachar.in-જામનગર:

જામનગર શહેરમાં દબાણો તો ઘણાં સ્થળોએ છે અને કેટલાંક સ્થળોએ દબાણો દૂર પણ કરાવવામાં આવ્યા છે પરંતુ જલારામ ઝૂંપડપટ્ટીની વાત જ નિરાળી છે તેથી લોકો આ ઝૂંપડપટ્ટીને 'રોયલ' ઝૂંપડપટ્ટીના નામે ઓળખે છે.! એક જમાનામાં આ ઝૂંપડપટ્ટી નજીકથી પસાર થતાં ઈન્દીરા રોડનો દાયકો રહ્યો. ખાસ કરીને ગુરૂદ્વારા ચાર રસ્તાથી સાત રસ્તા સર્કલ સુધીનો આ કટકો સોનાની લગડી માનવામાં આવતો. કારણ કે, આ મુખ્ય અને ધમધમતાં માર્ગ પર જલારામ ઝૂંપડપટ્ટી તરીકે ઓળખાતી જગ્યા પર ઝૂંપડા છે જ નહીં  ! અહીં બે ઓરડાના સામાન્ય મકાનોથી માંડીને સુવિધાઓ ધરાવતાં બે માળના મકાનો પણ છે. અહીં વાહનોના સર્વિસ સ્ટેશન, ટ્રાવેલ્સ, દવાખાના, લોજ પ્રકારના બાંધકામો અને અન્ય વ્યવસાય સ્થળો ઉપરાંત પશુપાલકો પણ આ કહેવાતી ઝૂંપડપટ્ટીમાં કિંમતી જમીનોનો, શહેર વચ્ચે કબજો ધરાવે છે  ! જેને કોર્પોરેશન 'ખાલી' કરાવી શકતું નથી  ! 

નવાઈની વાત એ છે કે, જલારામ ઝૂંપડપટ્ટીની મહામૂલી જગ્યાનો ખાલી કબજો મેળવવા કોર્પોરેશન લાખો રૂપિયા ખર્ચ કરી, છેક સુપ્રિમ કોર્ટ સુધી લડયું. અંતે ચૂકાદો પણ મહાનગરપાલિકાની તરફેણમાં આવ્યો. આમ છતાં, આ કિંમતી જગ્યાનો કબજો હજુ પણ કોર્પોરેશન પાસે નથી  ! દરમિયાન, આ વિસ્તારમાં હાલ સુભાષબ્રિજ-સાત રસ્તા સુધીના સૌરાષ્ટ્રના સૌથી લાંબા ફ્લાય ઓવરનું નિર્માણ ચાલી રહ્યું છે, હવે આ દબાણવાળી જમીનો પાસેથી સર્વિસ રોડ પસાર થશે. અને, ઉપર ફ્લાયઓવર બની જશે.

મનપાના આધારભૂત સુત્રો કહે છે કે સાતેક વર્ષ પહેલાં કોર્પોરેશને આ કેસમાં વિજય પ્રાપ્ત કર્યા પછી, સમાધાનની શરતો મુજબ, કોર્પોરેશને આ દબાણકારોને વૈકલ્પિક આવાસોની પણ ફાળવણી કરેલી. અહીં કુલ 237 દબાણકારો છે. જેઓને 2016ની સાલમાં કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક આવાસ ફાળવણી કરવામાં આવેલી. આ ફાળવણી 864 આવાસ જે  વામ્બે આવાસ પાસે આવેલ છે તેમાં કરવામાં આવેલી. દબાણકારો પૈકી 163 દબાણકારોએ કોર્પોરેશન પાસેથી ફાળવાયેલા આવાસની ચાવીઓ લીધી. જે દબાણકારોએ ચાવીઓ લીધી તેઓ પણ આજની તારીખે ફાળવવામાં આવેલાં આવાસોમાં રહેવા ગયા નથી  ! જેને પરિણામે જલારામ ઝૂંપડપટ્ટી 'ખાલી' થઈ નથી  ! અને, દબાણકારો પૈકી 74 દબાણકારોએ તો કોર્પોરેશન પાસેથી વૈકલ્પિક આવાસ માટેની ચાવીઓ પણ લીધી નથી, તેઓ પણ જલારામ ઝૂંપડપટ્ટીમાં ધામા નાંખીને બેઠાં છે  ! કોર્પોરેશન મૌન છે-વરસોથી  ! 

બીજી તરફ આ દબાણકારોને જે જગ્યાએ વૈકલ્પિક મકાનો ફાળવવામાં આવ્યા છે ત્યાં આજની તારીખે 85 જેટલાં આવાસો ખાલી પડ્યા છે ! જેમાં એક ફલેટની કિંમત રૂપિયા પાંચ લાખ ગણો તો પણ, કોર્પોરેશનનો રૂપિયા સવા ચાર કરોડનો 'માલ' ખાલી પડયો છે, કરદાતા નગરજનોના આ નાણાં ધૂળ થઈ રહ્યા છે  ! અને બીજી તરફ, કોર્પોરેશનની કરોડોની જલારામ ઝૂંપડપટ્ટીની જમીનો પર દબાણકારોએ હજુ કબજો જમાવી રાખ્યો છે  !! ખાલી આવાસોની ચાવીઓ આ દબાણકારોના ખિસ્સામાં પડી છે  ! આ આવાસો ખાલી જ હશે  ? કે, ભાડે આપવામાં આવેલાં હશે  ?! તે પણ તપાસનો વિષય લેખાવી શકાય.

જો કે મનપાના નવનિયુક્ત પદાધિકારીઓના ધ્યાનમાં આ મામલો આવ્યો નહિ હોય હવે આવશે એટલે તેવો તુરત આ ઝૂપડપટ્ટીને કઈ રીતે હટાવી શકાય તે અંગેનો તલસ્પર્શી અભ્યાસ અધિકારીઓ સાથે મળીને ચોક્કસ કરશે કારણ કે તેવોને મન શહેરનું હિત જ સર્વોપરી છે.