Mysamachar.in-જામનગર
રાજ્ય સરકાર દ્વારા FRC નો નિયમ તો બનાવવામાં આવ્યો છે, પણ જામનગર સહિતની ખાનગી શાળાઓમાંથી મોટાભાગની શાળાઓ આ નિયમોનું છડેચોક ઉલ્લંઘન કરે છે, અને વિવિધ હેડે વાલીઓને ફી ના નામે ખંખેરી લે છે. જામનગર શહેરની જુજ શાળાઓ જ FRC ના નિયમોનું પાલન કરે છે એ સિવાય મોટાભાગની શાળાઓ મનમાની ચલાવી અને વાલીઓ પાસેથી મોટી ફી લે છે અને જીલ્લા શિક્ષણાધિકારી કચેરીનું રાબેતામુજબ મૌન છે,
એવામાં હાલ શાળાઓના વેકેશન ખુલી ગયા છે. સ્વાભાવિક છે કે વેકેશન ખુલતા શાળા ફી ની વાલીઓ પાસે અપેક્ષા રાખે પરંતુ હાલના કોરોનાની મહામારીનાં સમયમાં મોટાભાગ ની શાળાઓએ પોતાની ફી માં વધારો કરીને ફી ઉઘરાવવાનું શરૂ કર્યુ છે તે અંગેની કેટલીક ફરિયાદો NSUIને મળી છે. નિયમ મુજબ કોઇ પણ શાળા એ ફી વધારા માટે FRC કમિટી સમક્ષ યોગ્ય આધાર પુરાવા સાથે પોતાની ફાઇલ મુકવાની હોય છે. અને FRC કમિટીને શાળાઓને જો ફી વધારો યોગ્ય લાગે તો ફી વધારો કરવા આદેશ કરતી હોય છે. પરંતુ જામનગરની વાત કરીયે તો કોઇ પણ શાળાની ફી વધારાની ફાઇલ વર્ષ 2021-22 માટે FRC કમિટીએ મંજુર કરેલ નથી. અને હજુ તો ઘણી શાળાઓએ તો FRC કમિટી સમક્ષ પોતાની ફાઇલ મુકી પણ નથી.
આવી પરિસ્થિતિમાં ઘણી બધી શાળાઓ ફી વધારો મળવાની અપેક્ષાએ વાલીઓ પાસેથી નવી વધારેલી ફી વસૂલી રહી છે. જે ગેરકાયદેસર છે માટે આજે જામનગર યુથ કોંગ્રેસ પ્રમુખ ડો.તોસીફખાન પઠાણ, NSUI પ્રમુખ મહિપાલસિંહ જાડેજા અને યુવક કોંગ્રેસના મંત્રી શક્તિસિંહ જેઠવાની આગેવાનીમાં આ મામલે જીલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી જામનગરની CBSC અને ગુજરાત બોર્ડની શાળાઓ ને પરિપત્ર કરવા આવે કે જયાં સુધી FRC કમિટી કોઇપણ શાળાને ફી વધારાની મંજુરી આપે નહીં. ત્યાં સુધી વધારો. મળવાની અપેક્ષાએ વધેલી ફી લેવાની જગ્યા એ જૂની ફી જ વસુલવી. જો 48 કલાકમાં ફી વધારો પાછો ખેચવાનો પરિપત્ર કરવામાં આવે નહીં તો જીલ્લા શિક્ષણ અધિકારી કચેરી સમક્ષ યુવક કોંગ્રેસ અને NSUI આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.