ક્રિકેટ રમતાં બાળકોને એક વૃદ્ધે નોટિસ કેમ આપી  ?! 

લીગલ નોટિસ સાથે નાણાંની માંગણી પણ કરી.....

ક્રિકેટ રમતાં બાળકોને એક વૃદ્ધે નોટિસ કેમ આપી  ?! 

Mysamachar.in-અમદાવાદ:

એક વિશિષ્ટ સમાચાર જાહેર થયાં છે. એક વૃદ્ધે ક્રિકેટ રમતાં સગીર બાળકોને નામજોગ નોટિસ આપી છે. યોગાનુયોગ એ પણ છે કે, આ નોટિસ આપનાર વૃદ્ધ દંપતિ પણ વકીલ છે અને આ મામલાને ઉજાગર કરનાર, આ બાળકો પૈકી એક બાળકની માતા પણ વકીલ છે. જેને કારણે આ મામલો હવે મોટો બની ગયો છે અને એવું દેખાઈ રહ્યું છે કે, નજીક નજીકની બે સોસાયટીઓના રહીશો સામસામે ગોઠવાઈ ગયા છે.

મામલો અમદાવાદનો છે. એક સોસાયટીના કેટલાંક બાળકો બાજુની સોસાયટીના મેદાનમાં ક્રિકેટ રમતાં હતાં એ વાતની તકરાર લઈને એ સોસાયટીના રહીશ વૃદ્ધ વકીલે બીજી સોસાયટીના બાળકોના નામજોગ લીગલ નોટિસ ફટકારી અને રૂ. પાંચ લાખ પણ ચૂકવવા એવું નોટિસમાં જણાવ્યું. આથી આ બાળકો વતી એક બાળકની એડવોકેટ માતાએ વૃદ્ધ વકીલને સામી લીગલ નોટિસ મોકલાવી, તેમાં એમ જણાવ્યું કે, સગીર બાળકોને નામજોગ નોટિસ ન આપી શકાય કારણ કે એમ કરવાથી સગીરોની ઓળખ છતી થઈ છે, જે ન થવી જોઈએ અને એમ પણ કહ્યું કે, આ નોટિસથી સગીરો ડરી ગયા છે, એક સગીરે તો ઘરની બહાર નીકળવાનું પણ બંધ કરી દીધું છે.

બાળકોના વાલીઓએ આ વૃદ્ધ દંપતિ વિરુદ્ધ એવી ફરિયાદ કરી કે, દાદાદાદીની ઉંમરના વડિલો ક્રિકેટ રમવા જેવી બાબતે સગીરોને નામજોગ નોટિસ આપે તે યોગ્ય નથી. ઉપરાંત એમ પણ કહ્યું કે, નોટિસમાં વૃદ્ધે કરેલાં આક્ષેપ ખોટાં છે. જો આ નોટિસ પરત ખેંચવામાં નહીં આવે તો સગીરોની ઓળખ છતી કરવા મુદ્દે આ વૃદ્ધ વિરુદ્ધ કેસ કરવામાં આવશે. બે સોસાયટીઓ વચ્ચેના આ મામલાએ અમદાવાદમાં ચકચાર જગાવી છે.

એક કાર અન્ય સોસાયટીમાં પાર્ક કરવાનો મુદ્દો પણ આ મામલામાં સામેલ છે અને વૃદ્ધે નોટિસમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે, બાળકોએ ફલેટના દસ્તાવેજો ચોરી લીધાં છે, આ વૃદ્ધ દંપતિએ બાજુની સોસાયટીઓના તમામ રહીશોના નામો અને મિલકતોની વિગતો જાણવાનો પણ નોટિસ મારફતે પ્રયાસ કર્યો છે. મામલો બે સોસાયટીઓ વચ્ચે કોમન પ્લોટની માલિકીના મુદ્દે પણ આગળ વધી રહ્યો છે. આમ ક્રિકેટ અંગેનો દેખાતો આ મામલો નજીકના દિવસોમાં બે સોસાયટીઓ વચ્ચેનો વિવાદ બની જશે, એવું હાલ દેખાઈ રહ્યું છે. અમદાવાદના સમગ્ર આંબાવાડી વિસ્તારમાં આ મામલાની ચર્ચાઓ છે. આ આખો વિસ્તાર શ્રીમંત હોવાનું બહાર આવ્યું છે અને આ ડખ્ખો આગળ વધશે એમ જણાઈ રહ્યું છે.