પિતાએ પોતાની લાડકી દીકરીનું બાઇક જાહેરમાં કેમ સળગાવ્યું ?

અનોખો કિસ્સો

પિતાએ પોતાની લાડકી દીકરીનું બાઇક જાહેરમાં કેમ સળગાવ્યું ?

Mysamachar.in-સુરતઃ

સુરતના રસ્તા પર એક બાઇક સળગતા જોઇ થોડીવાર માટે લોકો અચરજમાં મૂકાઇ ગયા હતા, બાદમાં જાણવા મળ્યું કે એક પિતાએ પોતાની લાડકી દીકરીનું મોપેડ સળગાવ્યું છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા એક પિતાએ પોતાની પુત્રીને મોપેડ લઇ આપી હતી. પણ પુત્રી અભ્યાસમાં ધ્યાન ન આપતી અને આખો દિવસ મોપેડ લઈને ફર્યા કરતી હતી. જેને લઈને પિતાએ પુત્રીને મોપેડ ચલાવવા બાબતે અનેક વખત ઠપકો આપ્યો હતો. છતાં પિતાની જાણ બહાર દીકરી મોપેડ લઈને નીકળી હતી. આ વાતની જાણ પિતાને થઈ જતાં તેમણે ગુસ્સામાં રાંદેરમાં જાહેર રસ્તા પર મોપેડને સળગાવી દીધું હતું. પિતાના ઉશ્કેરાટમાં આવીને મોપેડ સળગાવવાની ઘટનાથી મોટી સંખ્યામાં લોકોના ટોળા એકઠાં થઈ ગયાં હતાં.

જાહેર રોડ પર મોપેડ ગાડી સળગતી હતી, ત્યારે લોકોએ ફાયરને કોલ કર્યો હતો. ફાયર વિભાગે આવીને આગ પર કાબુ મેળવતા હતા. જોકે આ ઘટના બાદ લોકો મોટી સંખ્યા એકત્ર થયા હતા. અને આગનું કારણ જાણીને લોકો વિચારમાં પડી ગયા હતા. તો બીજી બાજુ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ શરૂ કરી હતી. ઘણીવાર બાળકોની જીદને કારણે વાલીઓ વાહન કે મોબાઇલ ખરીદી લેતા હોય છે, પરંતુ તેની અસર તેના અભ્યાસ અને સંસ્કાર પડતી હોય છે. ત્યારે બાળકોની જીદ પૂરી કરનારા વાલીઓ માટે આ આંખ ઉઘાડતો કિસ્સો છે.