કલ્યાણપુરમાં બોકસાઇટ ચોરી કોણ કરાવે છે..?

તંત્ર કાઢે છે કોની લાજ..?

કલ્યાણપુરમાં બોકસાઇટ ચોરી કોણ કરાવે છે..?

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કલ્યાણપુર તાલુકો બોકસાઈટ ચોરી માટે ફરીથી સ્વર્ગ સમાન સાબિત થઈ રહ્યો છે,છેલ્લા ઘણા સમયથી ખનીજ માફિયા તત્વો આ વિસ્તારમાં સક્રિય થઈને બેફામ બોકસાઇટ ચોરી કરે છે,છતાં તંત્ર લાજ કાઢીને બેઠું હોય તેમ લાગે છે,

મળતી વિગત મુજબ કલ્યાણપુર તાલુકામાં કિંમતી ખનીજ તત્વ બોકસાઈટ વિપુલ પ્રમાણમાં જમીનમાંથી મળી આવતું હોવાથી ખનીજ માફિયા તત્વો કલ્યાણપુર તાલુકાની જમીનને ખેદાન-મેદાન કરીને બોકસાઈટનો બેરોકટોક કાળો કારોબાર કરી રહ્યા છે,તેમા તંત્રની પણ ભૂંડી ભૂમિકા હોવાથી સરકારને કરોડો રૂપિયાની રોયલ્ટી ચોરીનો ચૂનો ચોપડવામાં આવી રહ્યો છે,એક અહેવાલ મુજબ કલ્યાણપુર તાલુકાના સતાપર અને હડમતીયા ગામે ખુલ્લેઆમ બોકસાઈટની ચોરી કરવામાં આવતી હોવા છતાં લગત તંત્ર કે પોલીસ પણ પગલા ભરતી ન હોવાની ફરિયાદ વચ્ચે જબરુ કૌભાંડ ચાલતું હોવાની શંકા સેવાઇ રહી છે,

સ્થાનિક નેતાઓ બોકસાઈટ ચોરી કરવામાં સામેલ હોય તે વાત તંત્ર પણ જાણતું હોવા છતાં શા માટે પગલાં લેવામાં આવતા નથી,તેવા સવાલો પણ થઈ રહ્યા છે,આમ કલ્યાણપુર તાલુકામાં ફરીથી ખનીજ  માફિયા તત્વો તંત્રના નાક હેઠળ જ બેફામ બોકસાઇટ ચોરી કરતા હોવાથી સરકારના પારદર્શક વહીવટ સામે અનેક સવાલો ઉભા થયા છે.