Mysamachar.in-જામનગર
શું આપણને ખબર છે, આપણા પાડોશીઓ કોણ છે? શું આપણને એનાથી કંઈ ફરક પણ પડે છે ખરો? શું આપણને પડી છે આપણા પ્રિયજનોની કે જેઓ આપણી જાણમાં કે જાણબહાર પીડાઈ રહ્યા છે, એક માનસિક સ્વાસ્થ્ય વિષેની જાગૃતિ વિહોણા સમાજને લીધે… શું આપણને દરકાર છે આપણા સમાજના આ unfiltered… uninstagrammed… Uninstagrammable.. વર્ગની? લાગણી શૂન્ય થઇ જવું એ આ ઝડપથી દોડતા મહાનગરોમાં રહેવાનું કઠોર પરિણામ છે.આપણે આપણી સૌથી ગમતી તસ્વીરોનું બેકગ્રાઉન્ડ એટલું ધૂંધળું કરી નાખ્યું છે કે સમાજના છેવાડાના લોકોને આપણે ના તો ઓળખી શકીયે છીએ કે ન તેમને માટે સહાનુભૂતિ રાખી શકીયે છીએ..
રસ્તા પર ઘણીવાર અસ્થિર મગજના માણસો જોયા છે સૂર્યની સામે તાકીને વાતો કરતાં કે પછી એકલા ખૂણામાં બેસીને પોતાના હાથને પંપાળતા અને વળી ઓળખ્યા પરાખ્યા વગર તમારી સામે એક નિર્દોષ સ્મિત આપતાં. ઘણીવાર થયું છે કે આવા થઈ જઈએ તો સુખી ના થઈ જવાય ? પણ પછી વિચાર આવે કે મગજની સ્થિરતા ગુમાવી દઈએ તો આપોઆપ જ સુખદુ:ખથી પર થઈ જઈએ. છતાં આ પરિસ્થતિમાં મૂકાવું કોને ગમે ? “અમે તો વેસ્ટ માંથી બેસ્ટ બનાવીને આપીએ છીએ” વણઘાભાઇ પરમાર
માણસાઈના દીવડા હજુ પણ પ્રગટે છે અને એ દીવડા જ ઈશ્વરના હોવા પરના વિશ્વાસને દ્રઢ બનાવે છે. સદભાગ્યે આપણને એવા લોકો પણ મળ્યા છે કે જેઓ સાચે મેડ MAD MAKING A DIFFERENCE, સમાજ માં બદલાવ લાવવા માટે પાગલ છે. જુનાગઢ સ્થિત ડોક્ટર બકુલભાઈ બુચ અને ગોરસર ગામનાં વણઘાભાઇ પરમાર જેવા લોકોએ માનસિક રીતે અસ્વસ્થ લોકોને મદદ કરવાનો પડકારજનક યજ્ઞ હાથ ધર્યો છે.
આવા માણસાઈના દીવડાઓને શોધી લાવવાનું કામ કરે છે જામનગરના સચીન માંકડ, નાની નાની (માત્ર કદમાં જ વિચારોથી બહુ ઊંચી) ડોક્યુમેન્ટરી બનાવીને આવા વિખરાયેલા અને સમાજની નજરે નહીં પહોંચાયેલા માણસાઈના દીવડાઓથી આપણને અવગત કરાવવાનું ઉત્તમ કામ કરે છે. આ ડોક્યુમેન્ટરી આપણે બહુ લાંબુ વિચારી જ ના શકીએ કે મગજની સ્થિરતા ગુમાવી બેસનારા આ પ્રેમાળ માણસોને કેટલા સન્માનથી સાચવાનારા પણ આ સમાજમાં છે. આવા જિંદગીમાં હકારાત્મકતા ભરનારા લોકો સુધી આપણને લઈ જાય છે સચીનભાઈ.
સચીનભાઈ – ફિલ્મ મેકર – દિલથી આભાર માનવા માંગે છે, ડો. નિલેશ ગઢવી, ડો. સમીર મકવાણા, દર્શન ઠક્કર, સ્તુતિ ધોળકિયા બુચ કે જેમણે આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખી છે, તુમુલ બુચ, સોહમ છાયા જેમણે પોતાના અવાજથી ગુજરાતી અને અંગ્રેજીમાં અનુક્રમે ફિલ્મની યાત્રા કરાવી છે, નિલેશ વ્યાસ અને સહીશ વિલ્સન જેણે માર્ગદર્શન પૂરું પાડ્યું છે, હેમ માંકડ અને પૂજા માંકડ જેણે શરૂથી અંત સુધી આ ફિલ્મને પૂર્ણ કરવામાં પોતાનો સાથ સહકાર આપ્યો છે.