અનુ.જાતિ ના ખેલાડીઓ માટે ફાળવેલ ગ્રાન્ટ કોણ હજમ કરી ગયું?

તપાસ માંગી લેતો વિષય

અનુ.જાતિ ના ખેલાડીઓ માટે ફાળવેલ ગ્રાન્ટ કોણ હજમ કરી ગયું?

my samachar.in-જામનગર 

રાજ્ય સરકાર દ્વારા અનુ,જાતિના ખેલાડીઓ માટે ક્રીડા કૌશલ્ય વર્ધક કાર્યક્રમ હેઠળ પસંદગી પામેલા ૧૨ જીલ્લામાં ૪ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવેલ છે જેમાં જામનગર જીલ્લામાં દર વર્ષે ૩૫ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે અને સીનીયર કોચ,જીલ્લા રમત-ગમત પ્રશિક્ષણ કેન્દ્ર જામનગરને ફાળવે છે ત્યારે આ ગ્રાન્ટના ઉપયોગમાં ગેરરીતિ થયેલ હોવાના આક્ષેપ સાથે મુખ્યમંત્રીને જામનગરના દલિત સમાજના આગેવાન ગોવિંદ રાઠોડએ રજૂઆત કરી છે,

તેમણે રજૂઆતમાં જણાવ્યુ છે કે,વર્ષ ૨૦૧૭-૨૦૧૮ માં રાજ્ય સરકાર દ્વારા અનુ.જાતિ ખેલાડી માટેનો સ્કીલ ડેવલપમેંટ કોચિંગ કેમ્પ અનુ.જાતિ વિસ્તારમાં ખેલ મહાકુંભનું આયોજન કરવું, જેમા એથ્લેટિક્સ,યોગસાન,કબડ્ડી,વોલીબોલ,ખો-ખો,વગેરે જેવી રમત ગમતનું આયોજન કરી ખર્ચ કરવાનો હોય છે ત્યારે ખેલ મહાકુંભ અનુ.જાતિ વિસ્તારોમાં કરવામાં આવેલ નથી કે ચુટાયેલ ધારાસભ્યો,કોર્પોરેટરો,કલેક્ટર વગેરેને આમંત્રણ આપેલા નથી કે જાહેરાત પણ કરવામાં આવેલ નથી આ ગ્રાન્ટનો દૂરૂપયોગ થયો હોવાનું રજૂઆતમાં જણાવ્યુ છે,

સરકાર દ્વારા આપવામાં આવેલ ગ્રાન્ટ અનુ.જાતિના ખેલાડી માટે અપાતી હોય છે જે ખેલાડી સૂધી પહોચતી નથી,સરકારની જીરો ટોલરંસ કરપ્શન નીતિ ક્યાં ગઈ? અને અનુ.જાતિના ખેલાડીઓ માટે ગ્રાન્ટ ફાળવીને સારા પરીણામ મેળવવાની નીતિ સામે અનુ.જાતિના ખેલાડીઓ રાજ્ય કક્ષાએ કે આંતરાષ્ટ્રીય કક્ષાએ સફળતા હાંસલ કરેલ નથી તેવો વેધક પ્રશ્ન પણ ગોવિંદ રાઠોડએ રજૂઆતમાં કર્યો છે,

આથી જામનગર જીલ્લામાં અનુ.જાતિના ખેલાડીઓ માટે ફાળવવામાં આવેલ ખાસ ગ્રાન્ટના દૂરૂપયોગ સામે તપાસ કરી પગલાં ભરવા રજૂઆતના અંતે માગણી કરાય છે.

જામનગરના સીનીયર કોચ સંદીપ પટેલ  શું કહે છે?..
જામનગર જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સીનીયર કોચ સંદીપ પટેલએ જણાવ્યુ હતું કે,વર્ષ ૧૭/૧૮ માં અનુ.જાતિના ખેલાડીઓની તાલીમ પાછળ ૩૫ લાખમાથી ૨૫ લાખ નો ખર્ચ કરવામાં આવ્યો છે અને બચત રકમ ૧૦ લાખ સરકારમાં જમા કરાવવામાં આવેલ છે,૪૮૯ અનુ.જાતિના ખેલાડીઓને પ્રક્ષિશણ આપવામાં આવેલ છે.