ખંભાળિયાના વેપારીનું સોનુ લઇને ફરાર થઇ ગયેલા પરપ્રાંતિય શખ્સને પશ્ચિમ બંગાળથી દબોચી લેવાયો

આરોપી ચાર દિવસના રિમાન્ડ પર

ખંભાળિયાના વેપારીનું સોનુ લઇને ફરાર થઇ ગયેલા પરપ્રાંતિય શખ્સને પશ્ચિમ બંગાળથી દબોચી લેવાયો

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા 

ખંભાળિયામાં રહેતા એક સોના ચાંદીના કારીગર ત્યાં કામ માટે રહેલા પશ્ચિમ બંગાળના રહીશ એવા એક શખ્સ બીજા જ દિવસે રૂપિયા બે લાખનું સોનું લઈને રફૂચક્કર થઈ જતા ખંભાળિયા પોલીસે આ આરોપીને પશ્ચિમ બંગાળ ખાતે જઈને દબોચી લીધો હતો. આ આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ ખંભાળિયાના સોના ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા શીરાજ બંગાળી નામના એક વેપારી કારીગરને ત્યાં ગત તારીખ 11 એપ્રિલના રોજ કામે રહેલા સાકીરુદ્દીન અબ્દુલા શેખ નામના 21 વર્ષીય યુવાન બીજા જ દિવસે તા. 12 ના રોજ આશરે રૂપિયા બે લાખની કિંમતનું 45 ગ્રામ સોનું લઈને રફૂચક્કર થઈ ગયો હોવાની ધોરણસર ફરિયાદ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી હતી.

વિવિધ દિશાઓમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં ઉપરોક્ત આરોપીનું પગેરું પશ્ચિમ બંગાળ સુધી હોવાનું ધ્યાને આવતા સ્ટાફ ગત તારીખ 7 ઓગસ્ટના રોજ પશ્ચિમ બંગાળ રાજ્યના હુબલી જિલ્લામાં પહોંચ્યા હતા. અહીંથી ખંભાળિયા પોલીસ સ્ટાફ દ્વારા ડોલેશ્વર વિસ્તારમાંથી ઉપરોક્ત આરોપીને દબોચી લઇ, ખંભાળિયા લઈ આવવામાં આવ્યો હતો. આરોપીને ખંભાળિયાની કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવતા કોર્ટે આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. વધુમાં જાણવા મળતી વિગત મુજબ ઉપરોક્ત આરોપી અન્ય નામથી ડુપ્લીકેટ આધાર કાર્ડ બનાવીને અહીં કામ પર રહ્યો હતો અને સોનાની ચોરી કરીને નૌ દો ગ્યારહ થઈ ગયો હતો.