બાળકો રમતા રમતા આ ફળનું શાક બનાવી ખાઈ જતા થઇ ગયા બેભાન

ચારેય બાળકોને હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા 

બાળકો રમતા રમતા આ ફળનું શાક બનાવી ખાઈ જતા થઇ ગયા બેભાન
symbolic image

My Samachar.in : વલસાડ

ક્યારેક બાળકો રમત રમતમાં એવું પગલું ભરી લે છે કે વાલીઓના શ્વાસ અદ્ધર થઇ જાય છે, આવી જ એક ઘટના વલસાડ જીલ્લામાં સામે આવી જ્યાં તાલુકાના જૂજવા ગામ ખાતે 4 બાળકો રસોઈ બનાવવાની રમત રમતા હતા. જેમાં બાળકો નજીકથી ધતુરાના ફળ લાવી ફળની શાકભાજી બનાવી રોટલી સાથે ખાઈ ગયા હતા. જેથી બાળકો અર્ધબેભાન હાલતમાં મળી આવ્યા હતા. બાળકોના વાલીઓએ તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં બાળકોને સારવાર માટે ખસેડ્યાં હતાં.

સોમવારે બપોરે ઘર આગળ રમી રહ્યા હતા. રમતા રમતા બાળકો 3 ઈંટનો ઉપયોગ કરીને તેના ઉપર રસોઈ બનાવવાની રમત રમી રહ્યા હતા. જે દરમ્યાન નજીકથી ધતુરાનું ફળ લાવી તેના બી કાઢી તેને તપેલીમાં નાખી ચૂલો સળગાવી શાક બનાવ્યું હતું. ઉપરાંત ઘરમાંથી રોટલાઓ લાવીને ધતુરાનું શાક અને રોટલો ખાઈ ગયા હતા. જેની સાથે જ બાળકો રમતા રમતા બેભાન થઈ ગયા હતા. પરિવારના સભ્યો બાળકોને બોલવા આવતા બાળકો બેભાન હાલતમાં મળી આવ્યા હતા. જેથી આજુબાજુમાં તપાસ કરતાં ચૂલા ઉપર મુકેલી તપેલીમાંથી ધતુરાના ફળના બી તેમજ ફળના ટુકડા મળી આવ્યા હતા. જેથી 4 બાળકોને નજીકની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયાં હતા અને હાલ તેની સઘન  સારવાર ચાલી રહી છે.