પ્રજાને એસ.ટી.નિગમ કઈ-કઈ આપે છે સુવિધા?

૧૮ પ્રકારની યોજના છે અમલમાં

પ્રજાને એસ.ટી.નિગમ કઈ-કઈ આપે છે સુવિધા?

mysamachar.in-ગાંધીનગર:

રાજ્ય સરકારના ખોટ કરતાં નિગમનું નામ લેવામાં આવે તો આમ પ્રજાના મોઢે એસ.ટી.નિગમનું નામ મોખરે આવે છે, તે પછી સરકારી કાર્યક્રમમાં બસ દોડાવવાથી માંડીને સરકાર દ્વારા એસ.ટીને લગતી વિવિધ યોજના અમલમાં મૂકીને ખોટ કરી રહી છે ત્યારે એસ.ટી વિભાગ કેવી રીતે નફો કરે તેવા સવાલો ઊભા થયા છે,

ગુજરાત એસ.ટી.વિભાગ આધુનિક બસ સ્ટેન્ડ બનાવવાથી માંડીને વોલ્વો બસ દોડાવા છતાં ખોટનો ખાડો પુરાતો નથી જેમાં સીક્કાની બીજી બાજુ એવી પણ છે કે, એસ.ટી.વિભાગ સરકારનું સાહસ હોવાથી ૧૮ પ્રકારની યોજના અમલમાં છે,જેમાં ખાસ કરીને ધારાસભ્યો,સાંસદો માટે,સરકાર માન્ય પત્રકાર,ફોટોગ્રાફરો માટે,સ્વતંત્ર સેનાની,સ્વતંત્ર સેનાનીની વિધવા પત્ની,રાજ્ય પરિતોષિક વિજેતા શિક્ષકો માટે મફત મુસાફરીની જોગવાઈ કરવામાં આવી છે ઉપરાંત ચક્ષુપાત્ર લઈ જતી માન્ય સંસ્થાના પ્રતિનિધિ માટે,અપંગ વ્યક્તિ સાથે એક સહાયક,અંધજનો,૫ વર્ષ સુધીના બાળકો માટે તેમજ ઇન્ટરવ્યુ માટે જતાં બેરોજગાર વ્યકિઓને,ગ્રામીણ વિદ્યાર્થિનીઓને વિનામુલ્યે મુસાફરીની સુવિધા પૂરી પાડવામાં આવે છે,

જ્યારે વિદ્યાર્થીઓને,રમતોત્સવમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને, ૫ વર્ષથી ઉપરના બાળકોને,કેન્સરના દર્દીઓને સારવાર દરમ્યાન લઈ જતાં સમયે એસ.ટી.માં મુસાફરી કરવા માટે ૫૦ ટકા સુધી રાહત આપવામાં આવે છે અને મુસાફરોને આકર્ષવા માટે ૪૦ ટકા રાહત સાથે ૧૮ દિવસના ભાડામાં ૩૦ દિવસની મુસાફરીનો લાભ આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે,

આમ સરકારી જવાબદારી હોવાથી વિવિધ યોજના દ્વારા પ્રજાની સુવિધા માટે ખોટ ખાઈને પણ ધંધો કરવામાં આવે છે અને એસ.ટી.વિભાગની ૧૮ માંથી ૧૧ યોજના તો એવી છે જેમાં એસ.ટી.ને  આવક જ નથી મફત લાભ આપવામાં આવે છે,
 

જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.