મોરબી નજીકથી ઝડપાયેલ 600 કરોડનો હેરોઈનનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં મોકલવાનો હતો વાંચો સંપૂર્ણ વિગત 

દ્વારકા બાદ મોરબી જીલ્લો આવ્યો ડ્રગ્ઝ મુદ્દે ચર્ચામાં 

મોરબી નજીકથી ઝડપાયેલ 600 કરોડનો હેરોઈનનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં મોકલવાનો હતો વાંચો સંપૂર્ણ વિગત 
ઝડપાયેલા આરોપીઓ

Mysamachar.in-મોરબી:

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ડ્રગ્ઝ માફિયાઓ પર તવાઈ બોલાવવાની શરુઆત થઇ ચુકી હોય તેમ એક બાદ એક જિલ્લાઓમાંથી ડ્રગ્ઝ ઝડપાવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, તાજેતરમાં જ દેવભૂમિ દ્વારકા જીલ્લાના સલાયામાં કરોડોની કિમતના ડ્રગ્ઝના જથ્થાની વાત હજુ સામે છે ત્યાં જ સૌરાષ્ટ્રના મોરબીના ઝીંઝુડા ગામેથી કરોડોની કિમતનું હેરોઈન મળી આવતા રાજ્ય પોલીસને વધુ એક વખત મોટી સફળતા હાંસલ થઇ છે.

મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામેથી ગુજરાત એટીએસની ટીમ દ્વારા દરોડા પાડી મકાનમાંથી 120 કિલો રૂ. 600 કરોડ રૂપિયાનું હેરોઈન ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે. પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે આ હેરોઇન ડ્રગ્સ ઓકટોબર મહિનાના છેલ્લા અઠવાડીયામાં પાકિસ્તાન મધદરિયેથી ડિલિવરી લઈ દ્વારકામાં છુપાવ્યું હતું. જે બાદમાં મોરબી ઝીંઝુડા ગામે મકાનમાં છુપાવ્યું હતું. આ મામલે રાજયના પોલીસવડા આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાત પોલીસનું મોટું ઓપરેશન છે. 120 કિલો હેરોઇન પકડાયું છે. જેની આંતરરાષ્ટ્રીય કિંમત રૂ. 600 કરોડની કિંમત થાય છે.

ભારતની આંતરરાષ્ટ્રીય દરિયાઇ સીમામાંથી લાવ્યા હતા.આ કેસમાં સમસુદ્દિન સૈયદ, જબ્બાર મુખ્તાર હુસૈન અને ગુલામ હુસૈનની અટકાયત કરવામાં આવી છે. આ અંગે કેન્દ્રીય એજન્સીઓને પણ જાણ કરવામાં આવી છે.પાકિસ્તાનના સ્મગલરો ડ્રગ્સ લઈને આંતરરાષ્ટ્રીય સરહદ સુધી આવે છે. ત્યારબાદ આરોપીઓ પોતાની બોટ લઈ સરહદ સુધી જાય છે અને માલની ડિલિવરી લઈ લે છે.તેમણે કહ્યું હતું કે, ત્રણ આરોપીઓમાંથી ગુલાબ ભાગડ અને જબ્બાર બંને ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. દરિયાઈ માર્ગે આવેલું તમામ ડ્રગ્સ જપ્ત કરાયું છે. આ ડ્રગ્સ પહેલાં આફ્રિકા મોકલવાનું હતું બાદમાં ગુજરાતમાં મોકલવામાં આવ્યું છે. આ ડ્રગ્સ સલાયા લવાયા બાદ મોરબી લાવવામાં આવ્યું હતું.મોટાભાગનું ડ્રગ્સ ભારતમાં લાવીને વિદેશ મોકલવામાં આવે છે. ડ્રગ્સ ગુજરાતમાં પહોંચાડવા માટેનું કાવતરૂ UAEમાં ઘડવામાં આવ્યું હતું.રાજયની તમામ એજન્સીઓ સક્રિય છે અને તમામ જથ્થો ઝડપાઇ ચુક્યો છે અને બહાર કોઈ જથ્થો ગયો નથી.

પાકિસ્તાનના ડ્રગ્સ સપ્લાયર ઝાહિદ બશિર બ્લોચ પાસે પાકિસ્તાન દરિયાઈ માર્ગે માલ મંગાવ્યો હતો. ઓક્ટોબરના છેલ્લા અઠવાડિયામાં જથ્થાની ડિલિવરી મધદરિયેથી લીધી હતી. દ્વારકાના સલાયામાં આ જથ્થાને સંતાડી દેવાયો હતો. બાદમાં મોરબીના ઝીંઝુડા ગામમાં આરોપી સમસુદીન સૈયદના નવા બની રહેલા ઘરમાં જથ્થો સંતાડયો હતો. આરોપી ગુલામ હુસૈન અને જબ્બાર અવાર નવાર દુબઇ જતા હતા. જેથી પાકિસ્તાની ડ્રગ માફિયા ગેંગ સાથે સંપર્કમાં આવ્યો હોવાની આશંકા છે.પાકિસ્તાની ડ્રગ માફિયા ઝાહિદ બલોચ ડિપાર્ટમેન્ટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ ના 2019 ના 227 કિલો હેરોઇન ગુનામાં વોન્ટેડ છે.ફરાર આરોપી ઈસા રાવ અને મુખ્તાર હુસેન કાકા ભત્રીજા આરોપી મુખ્યત્યાર પાકિસ્તાન મરીન સિક્યુરિટીના હાથે અગાઉ ઝડપાઇ ચુક્યો હતો પરંતુ બોટ ખરાબ થવાનું બહાનું કરી અને છૂટી ગયો હતો. આ ડ્રગ્સનો જથ્થો આફ્રિકામાં મોકલવાનો હતો. પરંતુ કોઈ કારણોસર ડિલિવરી ગુજરાતમાં કરી હતી.