ગરીબ બાળકોની શિષ્યવૃતિ ક્યાં ગઈ...૧૪ વર્ષ પછી પણ નથી અતોપતો...

શાસનાધિકારી મહેતા શા માટે છે મૌન

ગરીબ બાળકોની શિષ્યવૃતિ ક્યાં ગઈ...૧૪ વર્ષ પછી પણ નથી અતોપતો...

mysamachar.in-જામનગર:

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વહીવટ અંગે ઓડિટ રીપોર્ટમાં અનેક પોલ ખૂલતાં આ કચેરી વિવાદમાં આવી ગઈ છે ત્યારે શહેરની સરકારી શાળામાં ૨૦૦૪માં અનુ.જાતિ,જનજાતિ,અને ઑ.બી.સી.ના બાળકોની શિષ્યવૃતિ ચૂકવવામાં ન આવી હોવાનું જે-તે સમયે સામે આવ્યા બાદ આ ગંભીર મામલાની તપાસને આજે ૧૪ વર્ષ થવા આવ્યા છતાં તપાસ પુરી જ ન થતાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ગોબાચારીવાળા વહીવટનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે,

જામનગર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં.૧૯માં વર્ષ ૨૦૦૪માં અભ્યાસ કરતાં અનુ.જાતિ,અનુસુચિત જનજાતિ,ઑ.બી.સી. વર્ગના બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃતિ ન ચૂકવવામાં આવતા શિષ્યવૃતિ પ્રકરણનો આખો મામલો સામે આવ્યો હતો અને આ શાળાનું ૧૩ વર્ષથી ઓડિટ પણ કરવામાં આવ્યું નથી ત્યારે ૨૦૧૩માં શાસનાધિકારી વાય.જે.પંડયાએ શિષ્યવૃતિ પ્રકરણ મામલે ચાર્જશીટ દાખલ કરીને તપાસનો હુકમ કર્યો હતો,

પરંતુ ગરીબ બાળકોની શિષ્યવૃતિની તપાસ હજુ સુધી પુરી થતી નથી અને હાલના શાસનાધિકારી છેલ્લા કેટલાય સમયથી તપાસ ચાલી રહી છે તેવું ગાણું ગાઇ રહ્યા છે પણ તપાસ શા માટે પૂરી નથી થતી તેનો જવાબ તેની પાસે કાં તો છે નહીં અને છે તો તેવો શા માટે જાહેર નથી કરતાં તે બાબત શંકા પ્રેરનારી છે, 

આમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણ જેવા પવિત્ર ક્ષેત્રને બટ્ટો લગાડતા એક પછી એક પ્રકરણો બહાર આવી રહ્યા છે ત્યારે ગરીબ બાળકોની શિષ્યવૃતિ ક્યાં ગઈ તેની ગંભીર તપાસ ૧૪ વર્ષ પછી પણ પુરી ન થતાં શિક્ષણ સમિતિમાં કેવો વહીવટ ચાલતો હશે તે સ્પષ્ટ કરવા માટે પૂરતું હોય તેમ લાગે છે.