ગુજરાતમાં હજુ ક્યાં ક્યાં છુપાયેલ છે ડ્રગ્ઝ.? કલ્યાણપુરમાંથી 24 કિલો હેરોઈનની કડી ખુલી 

પોલીસ ટીમોની મહેનત સરાહનીય 

ગુજરાતમાં હજુ ક્યાં ક્યાં છુપાયેલ છે ડ્રગ્ઝ.? કલ્યાણપુરમાંથી 24 કિલો હેરોઈનની કડી ખુલી 

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:

ગુજરાતમાં ઠેર ઠેર ડ્રગ્ઝના રેકેટના પર્દાફાશ થઇ રહ્યા છે, તેના પરથી સવાલ એ થાય કે આટલી મોટી માત્રામાં ડ્રગ્ઝનો જથ્થો ઝડપાઈ રહ્યો છે, તો આ ડ્રગ્ઝ હજુ પણ ક્યાં ક્યાં છુપાયેલ હોય શકે કે કેમ.? કારણ કે ડ્રગ્ઝના એક બાદ એક કૌભાંડોની કડીઓ પોલીસને મળી રહી છે અને પોલીસ આવી કડીઓને જોડી અને યુવાધન ડ્રગ્ઝના નશામાં ના ધકેલાય તે માટે સઘન પ્રયાસો કરી રહી છે જે સરાહનીય છે.એવામાં વધુ એક કડી દેવભૂમિ દ્વારકા જીલ્લાના કલ્યાણપુરમાં ખુલી અને ગુજરાત એટીએસની ટીમને 24 કિલો એટલે કે 100 કરોડથી વધુની કિમતનું ડ્રગ્ઝ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

પાકિસ્તાનના હેરોઈન કાર્ટેલ્સ ગુજરાતના દરિયાકાંઠેથી ભારતમાં હેરોઈનની દાણચોરી કરવાના સતત પ્રયાસ કરી રહી છે, જે પ્રયાસને એ.ટી.એસ. ગુજરાત દ્વારા સમયાંતરે ડ્રગ્ઝ સીઝરના કેસો કરી નિષ્ફળ બનાવી ગુજરાત રાજ્યને નાર્કોટીક્સ ડ્રગ્સના ટ્રાન્ઝીટ પોઈન્ટ બનતા અટકાવવામાં સતત કાર્યરત છે. ગઈકાલે અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા, (રહે. નાવદ્રા, તાલુકોઃ જામકલ્યાણપુર)ના રહેણાંક મકાનમાંથી અંદાજિત 24 કિલો ગેરકાયદે હેરોઈનનો જથ્થો ઝડપી લેવાયો છે. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ. 120 કરોડ છે. આ મામલે લોરેન્ઝ બિશ્નોઈ ગેંગના ભારત ભૂષણ શર્મા, ઉર્ફે ભોલા શૂટર અને અંકિત જાખડની રાજસ્થાનથી તેમજ ઈશા રાવના પુત્ર હુસેન રાવની જામનગરના જોડિયાથી અટકાયત કરવામાં આવી છે.

મોરબીના ડ્રગ્ઝ પ્રકરણમાં પકડાયેલ આરોપી મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડીયાની પૂછપરછ દરમ્યાન તેણે હેરોઈનનો જથ્થો દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના નાવદ્રા ગામે છૂપાવેલ હોવાની કબૂલાત કરતા તાત્કાલિક એ.ટી.એસ. ગુજરાતની એક ટીમે આરોપી મુખ્તાર હુસૈન ઉર્ફે જબ્બાર જોડીયાને સાથે રાખી તેણે બતાવેલ જગ્યાએ રેડ કરતા અનવર ઉર્ફે અનુ મુસા પટેલીયા, (રહે. નાવદ્રા, તાલુકોઃ જામકલ્યાણપુર)ના રહેણાંક મકાનમાંથી અંદાજિત 24 કિલો ગેરકાયદેસર હેરોઈનનો જથ્થો, જેની આંતરરાષ્ટ્રીય બજાર કિંમત અંદાજિત રૂ. 120 કરોડ ગણાય જે મળી આવતા આ જથ્થો કબ્જે કરવાની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.