જામનગર મનપા, જીલ્લા પંચાયત સહિતની કચેરીઓમાં સરકારના આ ઠરાવનો અમલ શા માટે નહિ.?

આમાં બેરોજગારોને ક્યાંથી તક મળે જયારે ફાવટ ધરાવતા કળા કરી જાય.?

જામનગર મનપા, જીલ્લા પંચાયત સહિતની કચેરીઓમાં સરકારના આ ઠરાવનો અમલ શા માટે નહિ.?

Mysamachar.in-જામનગર:

કેટલાક ખાસ પ્રકારની “ફાવટ” ધરાવતા સરકારી કર્મચારી અને અધિકારીઓ નિવૃત થાય બાદમાં પણ તેની “ફાવટ”નો લાભ લઇ અને તાત્કાલીક રીતે આવા અધિકારીઓ અને કર્મચારીઓને ફરી લાગવગના જોરે કે પછી યેનકેન પ્રકારે  તે અથવા તેની સમકક્ષ  ખુરશી પર પાછા બેસાડવામાં આવે છે, ફરી પાછા લેવા એટલે આવા લોકોને પેન્શન મળે....પાછુ પદ મળે..અમુક સારી આવડત ધરાવતા હોય તો સારી એવી ખાયકી મળે જુના સંબંધ જળવાય અને પાછા જલસા લટકામાં અને સિક્કાની બીજી બાજુ જોઈએ તો આવી જે જગ્યાઓ ખરેખર ખાલી થઇ ગઈ છે અને ત્યાં બેરોજગાર પોતાને નોકરી મળશે તેવી આશ લગાવીને બેઠા હોય છે તે બેરોજગારોને તક આપવાને બદલે આવા અમુક અધિકારીઓ અને કર્મચારીઓને તક આપવામાં આવેલ એટલે એ બાબુઓને જાણે ડબલ ટ્રીપલ મલાઇ મળી ગઈ હોય તેવું લાગે....અને આવું જામનગર મહાનગરપાલિકા જામનગર જીલ્લા પંચાયત અને કલેકટર કચેરીમાં ચાલી રહ્યું છે.

જો કે આવા અધિકારીઓ અને કર્મચારીઓની રાજ્યભરમાં થયેલ નિમણુંકો અને તેની નીતિરીતી નવી સરકાર સુધી પહોચતા  સરકાર દ્વારા આ  મામલે તાજેતરમાં જ એક ઠરાવ કરવામાં આવ્યો છે, જેમાં સરકારની પૂર્વ મંજુરી લીધા વિનાની નિમણુકો રદ કરવા ઠેરવવામાં આવ્યું છે, છતાં કોઈ ને કોઈ કારણોસર ખુદ સરકારના ઠરાવની અમલવારી કરવાને બદલે  જુદા અર્થઘટન કરી અને ઠરાવ વિરુદ્ધ નોકરીઓ આપવામાં આવી રહી છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જીલ્લાની મહત્વની કચેરીઓમાં આવા કેટલાય તકવાદીઓ તક લઈને બેઠા છે. જો આ  ઠરાવની અમલવારી થશે તો ઘર ભેગા થવું નિશ્ચિત છે.પણ અમલવારી કરવામાં આવે તો...?

સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ મુજબ ટેકનીકલ-નોન ટેકનીકલ જગ્યાઓ પર સરકારી કર્મચારીઓ-અધિકારીઓને વયનિવૃત્તિ બાદ કરારના ધોરણે નિમણૂક આપવા બાબતે સૂચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે કોઈ નિવૃત્ત સરકારી અધિકારી-કર્મચારીને સચિવાલયના કોઇપણ વિભાગમાં અથવા ખાતાના વડાની કચેરીમાં અથવા કોઇપણ તાબાની કચેરીમાં અથવા રાજ્ય સરકારના કોઈ પણ બોર્ડ, કોર્પોરેશન કંપનીમાં અથવા સરકારના કોઇપણ વિભાગ હેઠળ ઊભી કરવામાં આવેલ સોસાયટી કે તે પ્રકારની અન્ય કોઇ સંસ્થામાં અથવા કોઇપણ ગ્રાન્ટ-ઇન-એઈડ સંસ્થામાં અથવા જે સરકારી સંસ્થાને ગુજરાત સરકારની સંપૂર્ણ અથવા અંશતઃ આર્થિક સહાય મળતી હોય તેવી સંસ્થામાં નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક (કન્સલટન્ટ તરીકે-સલાહકાર તરીકે કે ચોક્કસ ખાલી જગ્યા ઉપર કે અન્ય કોઈ પણ રીતે) આપવાની હોય ત્યારે વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ના અધિકારી-કર્મચારીઓને નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક આપવા અંગેની દરખાસ્ત સંબંધિત વિભાગે અધિક મુખ્ય સચિવ, અધિક મુખ્ય સચિવ (નાણા), મુખ્ય સચિવ, સંબંધિત મંત્રી મારફત મુખ્યમંત્રીની પૂર્વ મંજૂરી માટે રજૂ કરવાની રહેશે તેવી જોગવાઈ કરવામાં આવેલ છે. આટલું સ્પષ્ટ છે છતાં પણ અમલવારી નથી થતી તે સવાલો ઉભા કરે છે, અને અમલવારી કરવી ના પડે તે માટે ગોળ ગોળ જવાબો આપે છે, 

આ ઠરાવમાં ટાંકવામાં આવ્યું છે કે સરકારના ધ્યાને આવેલ છે કે નિવૃત્ત થયેલ અધિકારી-કર્મચારીઓને નિયત ઠરાવથી નિયત થયેલ રજૂઆતના રાહ મુજબ સરકારની પૂર્વ મંજૂરી મેળવ્યા વિના રાજ્ય સરકારના વિભાગો, ખાતાના વડા, રાજ્ય સરકારના બોર્ડ-કોર્પોરેશન, ગ્રાન્ટ-ઈન એઈડ સંસ્થાઓ અને રાજ્ય સરકારની પૂર્ણ કે અંશતઃ સહાય લેતી સંસ્થાઓમાં આઉટસોર્સિંગથી નિવૃત્ત અધિકારી-કર્મચારીઓની નિમણૂક કરવામાં આવે છે કે કામગીરી લેવામાં આવે છે, જે અંગે સૂચનાઓ પ્રસિદ્ધ કરવાની બાબત સરકારની વિચારણા હેઠળ હતી.

આ મામલે સરકારની પુખ્ત વિચારણાના અંતે ઠરાવવામાં આવે છે કે, સામાન્ય વહીવટ વિભાગના ઠરાવો-પરિપત્રથી નિવૃત્તિ બાદ કરાર આધારિત નિમણૂક સંબંધની જોગવાઈ અંતર્ગત રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી ન હોય તેવા કિસ્સાઓમાં રાજ્ય સરકારના વિભાગો, ખાતાના વડા, રાજ્ય સરકારના તમામ બોર્ડ, કોર્પોરેશનો, તમામ ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ અને રાજ્ય સરકારની પૂર્ણ કે અંશતઃ સહાય લેતી સંસ્થાઓમાં કોઈ પણ સ્વરૂપે (કરાર આધારિત/આઉટસોર્સિંગ, ઓનેરેરીયમ કે અન્ય સ્વરૂપે નાણાકીય લાભ આપીને) નિવૃત્ત કર્મચારી-અધિકારીની થયેલ નિમણૂકોનો તાત્કાલિક અસરથી અંત લાવવાનો રહેશે અને તેની જાણ સામાન્ય વહીવટ વિભાગને કરવાની રહેશે.

કોઇ પણ નિવૃત્ત અધિકારી/કર્મચારીને કોઇપણ જગ્યાએ અને કોઇ પણ રીતે નિમણૂંક આપવાની થાય તો સામાન્ય વહીવટ વિભાગના નિયત થયેલ ચેનલ ઑફ સબમિશન મુજબ સરકારની પૂર્વમંજૂરી લેવાની રહેશે. વધુમાં, દરેક વિભાગે વિભાગમાં અને તેમના નિયંત્રણ હસ્તકના ખાતાના વડા, રાજ્ય સરકારના તમામ બોર્ડ, કોર્પોરેશનો, તમામ ગ્રાન્ટ-ઈન-એઈડ સંસ્થાઓ અને રાજ્ય સરકારની પૂર્ણ કે અંશતઃ સહાય લેતી સંસ્થામાં, દરેક સંવર્ગમાં અધિકારી/કર્મચારીને આપવામાં આવેલ નિવૃત્તિ બાદની કરાર આધારિત નિમણૂંકની સંકલિત વિગતો દર ત્રણ માસે આ ઠરાવ સાથેના પરિશિષ્ટમાં સંબંધિત વિભાગના નાયબ સચિવ કે સમકક્ષ અધિકારી દ્વારા પ્રમાણિત કરીને સામાન્ય વહીવટ વિભાગને અચૂક રજૂ કરવાની રહેશે.

હવે જામનગર મનપાની વાત કરીએ તો આવા ચાર જેટલા અધિકારીઓને નોકરી પૂર્ણ થઇ ચુક્યા બાદ લેવામાં આવ્યા છે, આવું જ જીલ્લા પંચાયતમાં પણ જ્યાં આવા બે કર્મચારીઓ અધિકારીઓને તક મળી છે અને કલેકટર કચેરીમાં પણ આવા એકાદ અધિકારી કર્મચારી જલસા મારે છે.પણ જો સરકારના ઠરાવની જ અમલવારી સરકારી વિભાગો જ ના કરે અને મંજુરીની અપેક્ષા, કરાર આધારિત સહિતના બહાનાઓ આગળ ધરીને લોલમલોલ ચાલવા દેશે તો આવા ઠરાવોની કોઈ ગણના આવનાર સમયમાં રહેશે જ નહી.