હોળાષ્ટક શરુ થયું ક્યારે પૂર્ણ થશે, લગ્ન, ઉદ્ઘાટન, ગૃહ પ્રવેશ સહિતના શુભકાર્યો પર લાગશે બ્રેક 

શું કરવું જોઈએ વાંચો 

હોળાષ્ટક શરુ થયું ક્યારે પૂર્ણ થશે, લગ્ન, ઉદ્ઘાટન, ગૃહ પ્રવેશ સહિતના શુભકાર્યો પર લાગશે બ્રેક 
file image

Mysamachar.in-ડેસ્ક:

આપણા ત્યાં હિંદુધર્મમાં વર્ષ દરમિયાન આવતા તહેવારો અને તેની સાથે જોડાયેલ અલગ અલગ બાબતોનું ખુબ મોટું મહત્વ વર્ષોથી ચાલ્યું આવે છે, એવામાં હોળી આવી રહી છે ત્યારે હોળીકા અષ્ટક મોડી રાતે લગભગ 2-57 કલાકે શરૂ થઈ ગયું છે. જે હોળીકા દહન સાથે 17 માર્ચના રોજ પૂર્ણ થશે. હોળાષ્ટકને અશુભ કે સૂતકકાળ માનવામાં આવે છે. એટલે ધર્મગ્રંથોમાં આ દિવસો દરમિયાન દરેક પ્રકારના શુભ કામ કરવાની મનાઈ હોય છે. આ પ્રકારે ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમ તિથિથી પૂર્ણિમા સુધી હોળાષ્ટક ઉજવવામાં આવે છે.જાણકારો કહે છે કે આ વખતે હોળાષ્ટક સાથે ખરમાસ પણ રહેશે. એટલે હોળાષ્ટક પૂર્ણ થયા પછી પણ માંગલિક કાર્યો થઈ શકશે નહીં. 14 એપ્રિલના રોજ ખરમાસ પૂર્ણ થશે. હોળીકા અષ્ટક શરૂ થવાની સાથે જ લગ્ન, ગૃહ પ્રવેશ, દેવ પ્રાણ પ્રતિષ્ઠા, મુંડન અને નવા બિઝનેસની શરૂઆત જેવા શુભ માંગલિક કાર્યો અટકી જશે. હોળાષ્ટક દરમિયાન અંતિમ સંસ્કાર છોડીને બધા જ 15 સંસ્કાર કરવાની મનાઈ હોય છે.

ફાગણ મહિનાના સુદ પક્ષની આઠમથી હોળીકા અષ્ટક શરૂ થઈ જાય છે. આ દિવસથી એક ઝાડની ડાળી કાપીને તેમાં રંગીન કપડાના ટુકડાઓ બાંધવામાં આવે છે. પછી તેને જમીનમાં દાટી દેવામાં આવે છે. પછી તેની ચારેય બાજુ લાકડા અને ગાયના ગોબરથી બનેલાં છાણાને એકઠા કરવામાં આવે છે. હોળીકા દહનના દિવસે ભદ્રા રહિત શુભ સમયમાં નૃસિંહ ભગવાન તથા ભક્ત પ્રહલાદના પૂજન પછી અગ્નિ પૂજન કરીને હોળીકા દહન કરવામાં આવશે.હોળાષ્ટકનો સમય ભક્તિ ભાવ માટે ખૂબ જ સારો હોય છે. આ દિવસોમાં મોડા સુધી સૂવું જોઈએ નહીં. સવારે જલ્દી જાગવું અને સ્નાન કર્યા પછી ઉગતા સૂર્યને જળ ચઢાવો. જેથી દેવી દેવતાઓનો આશીર્વાદ મળશે. આ આઠ દિવસોમાં ભગવાન વિષ્ણુની પૂજા ચોક્કસ કરવી જોઈએ. આ સિવાય મહામૃત્યુંજય મંત્ર અને દુર્ગાસપ્તશતીનો પાઠ પણ કરી શકાય છે. આવું કરવાથી રોગ, શોક અને દોષ દૂર થાય છે.