પાણી ક્યારે પીવું જોઈએ? અને દિવસમાં કેટલું પીવું જોઈએ?

આ લેખ વાંચી જ લેજો 

પાણી ક્યારે પીવું જોઈએ? અને દિવસમાં કેટલું પીવું જોઈએ?
symbolic image

 Mysamachar.in-અમદાવાદ:

દરેક વ્યક્તિ શારીરિક રીતે સ્વસ્થ રહેવા માટે અવનવા પ્રયોગો કરીને શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરે છે. જેમાં યોગ, જીમ, ડાઈટ, કસરત વગેરેમાંથી કંઈ કરીને સ્વસ્થ રખવાના પ્રયત્નો કરતાં હોય છે. પરંતુ આ બધી વાતમાં મહત્વની અને પાયાની સૌથી જરૂરી બાબતને લગભગ કોઈ ધ્યાનમાં લેતાં જ નથી! એ બાબત છે ‘પાણી પીવાની’. પૃથ્વી પર પાણી દરેક જીવ માટે ખૂબ જ અનિવાર્ય છે. ભારતીય શાસ્ત્રોમાં “પાણી એ પ્રભુનો પ્રસાદ છે.” એવું કહેવામાં આવ્યું છે. સારા સ્વાસ્થ્ય માટે પાણી પીવું અત્યંત જરૂરી છે. પરંતુ પાણી પીવાનો અનિશ્ચત સમય પણ સ્વાસ્થ્યને સારી અસર કરે છે. તેથી યોગ્ય સમયે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. કેમ કે પાણી પીવાની નિશ્ચિતતાથી પણ આપણે જીવનભર અમુક પ્રકારની બિમારીઓથી બચીને આરોગ્યવર્ધક જીવી શકીએ છે. આપણે સાંભળ્યું હશે કે દિવસમાં આટલા ગ્લાસ પાણી તો પીવું જ જોઈએ. એટલું પીવાથી આપણું શરીર બરાબર કાર્યરત રહે છે. એની સાથે એ વાત પણ ચોક્કસ લાગુ પડે છે કે પાણી ક્યારે પીવું જોઈએ? અને દિવસમાં કેટલું પાણી પીવું જોઈએ?

-કેટલું પાણી પીવું જોઈએ?

વ્યક્તિ કેટલું પાણી પીવું જોઈએ.. બે લિટર, અઢી લિટર કે ત્રણ લિટર? કોઈ એક આંકડામાં એનો જવાબ ન આપી શકાય. કેમ કે દરેક વ્યક્તિએ પોતાના શરીરની જરૂરિયાત અને જે દેશમાં રહેતાં હોય ત્યાંના વાતાવરણને ધ્યાનમાં રાખીને પાણી પીવું જોઈએ. એમાંય શરીરમાંથી રોજે રોજ જેટલું પાણી બહાર નીકળતું હોય એટલું પાણી પીવું જોઈએ. આપણું શરીર ચરબીનો સંગ્રહ કરી શકે છે, પરંતુ પાણીનો સંગ્રહ નથી કરી શકતું. તેથી60  કિલોગ્રામની એક વ્યક્તિના શરીરમાંથી આશરે અઢીથી ત્રણ લિટર જેટલું પાણી બહાર ફેંકાતું હોય છે. આપણા ખોરાકમાં શાક, ફ્રૂટ્સ, ઘઉં અને ભાત જેવી જે સામાન્ય ચીજો ખવાતી હોય છે. એવી ચીજોમાંથી શરીરને અડધો લિટર જેટલું પાણી મળતું હોય છે, બાકીનું બે-અઢી લિટર પાણી એટલે કે આશરે દસેક ગ્લાસ જેટલું પાણી રોજ પીવું જોઈએ.

સામાન્ય રીતે એક પુખ્ત વયની વ્યક્તિ ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવું જરૂરી છે. નાનાં બાળકોએ તેમની એક્ટિવિટી અને વજન અનુસાર પાંચથી છ ગ્લાસ જેટલું પાણી પીવું જરૂરી છે. શિયાળો, ઉનાળો, ચોમાસું - એમ ઋતુ પ્રમાણે વાતાવરણમાં થતાં ફેરફારની સીધી અસર શરીર પર પડે છે. એ મુજબ પાણી પીવાની માત્રામાં થોડો સહજ ફેરફાર થતો હોય છે. શરીરને શ્રમ પડે એવું કામ કરનારાઓને વધુ પાણી જોઈએ; જ્યારે એસી ઓફિસમાં બેસીને કામ કરનારાઓને એટલી તરસ લાગતી નથી. તેમજ સ્પોર્ટ્સ પર્સન નોર્મલ વ્યક્તિઓ જેટલું પાણી પીવે એના કરતાં લગભગ દોઢગણું પાણી પીતા હોય અને પીવું પણ જોઈએ છે. પરંતુ કોઈપણ વ્યક્તિએ તરસ લાગે ત્યારે તથા શરીરને જરૂર હોય એટલી માત્રામાં પાણી આપવું જોઈએ.

-પાણી ક્યારે પીવું જોઈએ?
જ્યારે આપણે સૂઈને ઊઠીએ છે ત્યારે પાણી અવશ્ય પીવું જોઈએ. ઊંઘમાથી જાગીને પાણી પીવાથી શરીરના કીંટાણુંનો નાશ થાય છે અને પાચંન શકિત મજબૂત બને છે. સાથે સાથે શરીરને હાઈટ્રેડેટ રાખવામાં પણ મદદ કરે છે.સવારે મોં સાફ કર્યા પછી ત્રણથી ચાર ગ્લાસ પાણી પીઓ. એનાથી રાતની ઊંઘ દરમિયાન ઉદ્ભવેલી નિર્જલાવસ્થાને દૂર કરીને મળવિસર્જનમાં મદદ થાય છે.જ્યારે આપણે સ્નાન કરીએ તે પહેલાં પાણી પીવું ફાયદા કારક છે કારણ કે સ્નાન કરતાં પહેલા પાણી પીવાથી બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે. બ્લડ પ્રેશરના દર્દીઓએ ખાસ સ્નાન કરતાં પહેલાં પાણી પીવું જ જોઈએ .સ્નાન કરતાં પહેલાં સાદું પાણી પીવાથી શરીરનું તાપમાન પણ જળવાઈ રહે છે, નાસ્તો, બપોરનું ભોજન કે રાત્રિ ભોજન લેવાના અડધો કલાક પહેલાં એકાદ ગ્લાસ પાણી પીવું જોઈએ.જમતાં-જમતાં વચ્ચે ખોરાકને રસમય બનાવવા જરૂરી હોય એટલું પાણી ઘૂંટડે-ઘૂંટડે પીવું. જો ભોજનમાં સેમી-લિક્વિડ વાનગીઓ હોય તો પાણી પીવાની જરાય જરૂર નહીં પડે.

-જમ્યા પછી કોગળા કરીને દાંત સાફ કરી લેવાં પુરતું કે એકાદ ઘૂંટડાથી વધુ પાણી ન પીવું. 

જમ્યા બાદ અડધો કલાક રહીને પાણી પીવાથી પાણી ગુણ કરે છે. સાથે સાથે આપણી પાચન શક્તિ મજબૂત બને છે.તો જ્યારે આપણે વર્કઆઉટ કરીએ છીએ તે પહેલાં અને તે પછી પાણી પીવું યોગ્ય છે. કેમ કે વર્ક આઉટ વખતે શરીરમાં ઘણો પસીનો થાય છે. જેનાં લીધે આપણું શરીર ડિહાઈડ્રેટેટ થઈ જાય છે. જેથી પાણી પીવાથી એનર્જી મળી રહે છે. તેમજ શરીર તંદુરસ્ત બને છે.