Mysamachar,in-જામનગર:
તમારા ઘરે કોઈ મીઠાઈનું બોક્સ આપી અને એ ખોલીને તમે જુઓ તો અંદરથી હથિયાર અને કાર્ટીઝ નીકળે તો કેવું થાય…!? જી હા આવી જ એક સાચી ઘટના જામનગર શહેરમાં સામે આવી છે.જેમાં એક કોન્ટ્રાકટરને ખોટા કેસમાં ફીટ કરાવી દેવા નામચીન શખ્સે મીઠાઈના બોક્સમાં હથીયાર રાખી અને ઘરે પહોચાડ્યું હતું જે બાદ આ બોક્સ ખોલવામાં આવતા ફરિયાદી કોન્ટ્રાકટરની આંખો પણ ચાર થઇ ગઈ હતી અને સમગ્ર મામલો પોલીસ મથકે પહોચ્યા બાદ મળતી વિગતો મુજબ…
જામનગર શહેરના શાકમાર્કેટ નજીક ભોયવાડા વિસ્તારમાં વસવાટ કરતા સંજય છગનલાલ ચુડાસમા કોન્ટ્રાક્ટનુ કામ કરતા હોય અને આરોપી ઇકબાલ બાઠીયાએ સંજય ચુડાસમાંને કોન્ટ્રાકટનું કામ કરવુ હોય તો એક લાખ રૂપીયાની ઉઘરાણી કરતો હોય તેમજ જાનથી મારી નાખીશ કા તો હથીયારના કેસમાં કે કોઇ બીજા કેસમાં ફીટ કરી દેવાની ફોનમાં તેમજ રૂબરૂમાં અવાર નવાર ધમકી આપતો હોય જેથી સંજય ચુડાસમાએ રૂપીયા આપવાની ના પાડતા ઇકબાલ બાઠીયો તથા તેની સાથેના ચાર અજાણ્યા ઇસમોએ ફરિયાદી સંજય ચુડાસમાને ખોટા કેસમાં ફીટ કરી દેવા માટે તેના ધરે આવી સંજયના પત્નિને મીઠાઈનું બોક્સ આપી જતા રહ્યા હતા જે બાદ આ બોક્સ ચેક કરવામાં આવતા તેમાંથી હથિયાર તથા કાર્ટીઝ નીકળતા સંજય ચુડાસમાએ સમગ્ર ઘટના અંગે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વી.આર.ગામેતીએ વધુ તપાસ હાથ ધરી છે.