જયારે સરકારી કાર પર લાગ્યા સ્ટીકર કે “આ ગાડી પ્રજાના પૈસે જ ચાલે છે.”

‘જનતા ગેરેજ’ નામની આ સંસ્થા દ્વારા તંત્રનો અનોખો વિરોધ..

જયારે સરકારી કાર પર લાગ્યા સ્ટીકર કે “આ ગાડી પ્રજાના પૈસે જ ચાલે છે.”

Mysamachar.in-જૂનાગઢ

રાજ્યમાં વખતોવખત સરકારી ગાડીઓના અંગત ઉપયોગનો વિવાદ થતો રહે છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના પટાંગણના પાર્કિંગમાં પાર્ક કરાયેલી ગાડીઓ પર હંમણા અચાનક જ એક લખાણ લખેલાં સ્ટીકર જોવા મળ્યા હતા, આ સ્ટીકરના કારણે કૂતુહલ સર્જાયું હતું, જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગમાં પાર્ક કરાયેલી ગાડીઓ પર અચાનક જ એક સ્ટીકર જોવા મળ્યું હતું, આ સ્ટીકરના કારણે કૂતુહલ સર્જાયું હતું. જો કે સ્ટીકર લગાવનારા લોકો પણ સ્થળ પર હાજર હતા.

મહાનગરપાલિકાને આ વાત ધ્યાને આવતા તુરંત જ અધિકારીઓ અને સત્તાધીશોએ પોલીસનો સંપર્ક કર્યો હતો જેથી માહોલ ગરમાયો હતો, આ સ્ટીકરો પર એવું લખાણ લખેલું હતું કે, “આ ગાડી પ્રજાના પૈસે જ ચાલે છે.” જનતા ગેરેજ નામની આ સંસ્થાએ આ અનોખો વિરોધ કરેલો છે. કોર્પોરેશન ગ્રાઉન્ડમાં પાર્ક કરાયેલી કમિશ્નરની ગાડી તેમજ ભાજપના પદાધિકારીઓની ગાડીઓ પર જનતા ગેરેજ નામની સંસ્થાના પાંચ કાર્યકરો દ્વારા આ લખાણવાળા સ્ટીકર લગાવી દેવાયા હતા.

મ્યુનિસિપલ કમિશ્નર તુષાર સુમેરાએ આ સામે ફરિયાદ દાખલ કરાવી હતી. ત્યાર બાદ સીટી બી ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસનો મોટો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જવાબદારો સામે પગલા લેવા માટેની કાર્યવાહી કરવામાં આવી હતી. ત્યાર બાદ આ સ્ટીકરો જનતા ગેરેજના સભ્યોએ પોતે જ કાઢી લીધા હતા. મ્યુનિસિપલ કમિશ્નરે જણાવ્યું છે કે, “કોઈ પણ સમસ્યા હોય તો મને લેખિતમાં જાણ કરો. પરંતુ સરકારી વાહનો સાથે કોઈ પણ પ્રકારની આવી છેડછાડ ચલાવી લેવાશે નહી.”

થોડા દિવસો પૂર્વે કોર્પોરેશનનાં એક અધિકારીની સરકારી ગાડીમાં તેમના પત્ની ફરી રહ્યા હોવાનો વીડિયો સોશીયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ વાયરલ વીડિયોએ ચર્ચા પણ જગાવી હતી. ત્યારે ફરી જૂનાગઢ કોર્પોરેશનની આ સ્ટીકર લગાવવાની બાબત સામે આવતા થોડી રમુજ પણ ફેલાઇ હતી. હાલ આ મુદ્દાની ચર્ચાઓએ જોર પકડ્યું છે.