જયારે એક શખ્સ એસટી વર્કશોપમાંથી બસ લઈને ભાગ્યો અને પછી તો....

કારચાલકની સુજબુઝ કામ કરી ગઈ...

જયારે એક શખ્સ એસટી વર્કશોપમાંથી બસ લઈને ભાગ્યો અને પછી તો....

Mysamachar.in-કચ્છ

થોડા સમય પૂર્વે  એક શખ્સ રાજ્યના અન્ય જીલ્લામાંથી એસટી ડેપો અંદરથી બસ લઈને ભાગ્યો હતો અને બાદમાં અવાવરું જગ્યા પર બસ છોડી દીધાની ઘટના સામે આવી હતી, ત્યાં જ ફરી એક વખત આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં કચ્છ જિલ્લાના ભચાઉમાં એસટી બસ ચોરીની બનેલી એક ઘટનાના કારણે ભારે અફરાતફરી નો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો, કારણ કે એક અજાણ્યા શખ્સ ભચાઉ એસટી વર્કશોપમાંથી બસ લઈને ભાગ્યો હતો અને રસ્તા પરથી પસાર થઈ રહેલા સ્કૂટી ચાલકને અડફેટે લઈ ઈજા પહોચાડી હતી. કારચાલકે પીછો કરતા બસનો ચાલક બસ છોડી નાસ્યો હતો. જો કે, લોકોએ તેને ઝડપી પોલીસને હવાલે કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં બસ લઈ ફરાર થયેલો યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે.

ભચાઉના નવા બસ મથકની પાછળ આવેલા એસટી વર્કશોપમાંથી કટારીયા રૂટની 2.30 વાગ્યે ઉપડતી બસને કોઈ અજાણ્યો શખ્સ કોઈ કારણોસર ચાલુ કરીને હંકારી ગયો હતો. આ દરમ્યાન બસની અડફેટે સ્કૂટર ચાલક ઘવાયો હતો. તો અન્ય એક કાર ચાલક સહેજમાં બચી જવા પામ્યો હતો. પોતાના વર્કશોપમાંથી બસ લઈ એક શખ્સ ભાગ્યો હોવાની જાણ થતા એસટી વર્કશોપમાં કર્મચારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને અજાણ્યા શખ્સનો કબજો લઈ પોલીસને હવાલે કર્યો હતો. આ રીતે બસ ચોરી કરી ભાગવા પાછળનો હેતું શું હતો તે અંગે પોલીસે હાલ તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં યુવક અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે.