આયુષ-64 ટેબ્લેટનું કોરોનામાં શું મહત્વ છે.? જાણો એ તમામ જે તમે જાણવા ઈચ્છો છો..

ITRA જામનગર દ્વારા કોરોના દર્દીઓ માટે આયુષ-64 વિનામૂલ્યે વિતરણ

આયુષ-64 ટેબ્લેટનું કોરોનામાં શું મહત્વ છે.? જાણો એ તમામ જે તમે જાણવા ઈચ્છો છો..

Mysamachar.in-જામનગર

ઈન્સ્ટીટયુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) કે જે આયુર્વેદ ક્ષેત્રે દેશની પ્રથમ ઈન્સ્ટીટયુટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ છે. તેના દ્વારા આયુષ મંત્રાલય, ભારત સરકારના ઉપક્રમે વૈજ્ઞાનિક સંશોધન દ્વારા પ્રમાણીત એવી આયુર્વેદિક ઔષધિ “આયુષ-64” નું વિતરણ વિનામૂલ્યે કરવામાં આવી રહયુ છે. આયુષ મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત કાર્યરત વિવિધ નેશનલ ઇન્સ્ટીટયુટ અને રીસર્ચ કાઉન્સીલ દવારા કરવામાં આવેલ ચિકિત્સકીય સંશોધનના અંતે “આયુષ-64" ટેબ્લેટને ઓછા અથવા મધ્યમ કક્ષાના લક્ષણો ધરાવતા કોરોનાના દર્દીઓમાં ઊપયોગી જણાયેલ છે. દેશના વિવિધ શહેરોમાં “આયુષ-64" ટેબ્લેટ કોરોનાના 18 વર્ષથી ઊપરના દર્દીઓને તેમની જે ચિકીત્સા ચાલી રહી હતી તેને સાથે આપવામા આવેલ હતી. તેના સારા પરિણામ મળવાથી જ આયુષ મંત્રાલય, ભારત સરકાર દ્વારા સમગ્ર ભારતમાં મોટી સંખ્યામાં “આયુષ-64" ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહયું છે.

કોરોનાના આ બીજા વેવમાં દર્દીઓ ખૂબ જ ઝડપથી ગંભીર પરિસ્થિતિમાં આવી જાય છે અને ઓકસીજન લેવલ ઘટવા માંડે છે. આવી પરિસ્થિતિ ન આવે અને કોરોનાના લક્ષણો ઝડપથી કાબુમાં આવે એ હેતુથી આ “આયુષ-64" ને રોગીઓને ચાલી રહેલ ચિકિત્સા સાથે લેવા માટે સલાહ આપવામાં આવી રહી છે. જામનગર સ્થિત આઇ.ટી.આર.એ. દ્વારા પણ આ સંશોધન અન્તર્ગત આયુષ 64 ટેબલેટ કોરોનાના દર્દીઓને આપવામાં આવી હતી અને કોવિડ ટેસ્ટ પોઝીટીવ દર્દીને (માઇડ થી મોડરેટ) કે જે હોમ આઇસોલેશનમાં હોય તેના માટે વિનામુલ્ય વિતરણ કરવામાં આવશે. આ માટે સેવાભારતીની મદદ ધ્વારા ઘરે ઘરે જઇને હોમ આઇસોલેશન દર્દીને આ ઉપયોગી દવા પહોંચાડવામાં આવશે તેમજ આયુષ-64 વિતરણ કેન્દ્ર આઇ. ટી. આર. એ. કેમ્પસ, રિલાયંસ માર્ટ સામે, જામનગર ખાતે સોમવાર થી શનિવાર, સવારે 9 થી બપોરે 1 વાગ્યા સુધી શરુ કરવામાં આવેલ છે. આ દવા મેળવવા માટે દર્દી ઓના કોરોના પોઝીટીવનો રીપોર્ટ, આધાર કાર્ડ અને તેમને હાલના લક્ષણોની વિગત આપવી અનિવાર્ય રહેશે.

-આયુષ-64 : એ તમામ જાણકારી જે તમે જાણવા ઈચ્છો છો

-આયુષ-64 શું છે ?

આયુષ-64 એક આયુર્વેદિક દવા છે જે ભારત સરકારના આયુષ વિભાગ હેઠળની આયુર્વેદ સંશોધન માટેની સર્વોચ્ચ સંસ્થા “સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સીસ (સી.સી.આર.એ.એસ.)" દ્વારા ભૂતકાળમાં મેલેરિયાની દવા તરીકે વિકસાવવામાં આવેલ. આ દવાના ઘટકોના રોગ પ્રતિકારક શક્તિ વધારવા અંગેના, વાઈરસ જન્ય રોગોને રોકવા અંગેના તથા તાવ વિરુદ્ધના ગુણધર્મોને ધ્યાન માં રાખી હાલ તેને ફરીથી ઉપયોગમાં લાવવામાં આવી છે. આયુષ-64 પર થયેલ વૈજ્ઞાનિક અભ્યાસમાં જણાયું છે તેના 36 પૈકી 35 વાનસ્પતિક ઘટક દ્રવ્યો વાઈરસ જન્ય શારીરિક પરિવર્તનો સામે ઉચ્ચ પ્રકારની પ્રતિરોધક ક્ષમતા ધરાવે છે. ફ્લ્યુ (ઇન્ફલ્યુએંઝા) જેવા રોગોમાં પણ આ દવાના ખૂબ જ આશાસ્પદ પરિણામો જણાયા છે. ભારતભરમાં થયેલ છે જુદા જુદા સંશોધનોમાં મળેલા પરિણામો અનુસાર લક્ષણો વગરના કે હળવાથી મધ્યમ કક્ષાના લક્ષણો ધરાવતા કોવીડ-19 રોગના દર્દીઓમાં તેમને આપવામાં આવતી નિયમિત ચિકિત્સા સાથે આયુષ-64 ઉમેરવાથી સ્વાસ્થની પુનઃપ્રાપ્તિ અને જીવનની ગુણવત્તા ઝડપ થી સામાન્ય થાય છે.

-આયુષ-64 કોણ લઇ શકે ?

આયુષ-64 કોવીડ-19 ના દર્દીઓ રોગના કોઈ પણ તબક્કામાં લઇ શકે છે. જો કે તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કોઈ વિશેષ જોખમી પરિસ્થિતિ વિનાના - લક્ષણો વગરના કે હળવાથી મધ્યમ કક્ષાના લક્ષણો ધરાવતા કોવીડ-19 રોગના દર્દીઓ કે જેઓને આત્યયિક પરિસ્થિતિ નથી કે હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડેલ નથી તેવા દર્દીઓ પર કરવામાં આવેલ છે. આ પ્રકારના દર્દીઓ આયુષ-64 લેવા યોગ્ય જણાયા છે. વધુ સારા પરિણામો માટે આર.ટી.પી.સી.આર ટેસ્ટ દ્વારા નિદાન થયાના સાત દિવસો દરમ્યાન અથવા તાવ, નાક બંધ થઇ જવું, શરીર દુઃખવું, નાક ગળવું, માથા નો દુઃખાવો, ઉધરસ વગેરે કોવીડ -19 ના હળવા કે મધ્યમ કક્ષા ના લક્ષણો સમયે વાપરી શકાય.

-આયુષ-64 શા માટે લેવી જોઈએ ?

આયુષ-64 કોવીડ-19 ના લક્ષણો અને ગંભીરતાને ઓછી કરવામાં લગતા સમયગાળાને નોંધપાત્ર રીતે ઘટાડી ઝડપથી સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. આ ઉપરાંત તે શારીરિક થાક, ભૂખ, ઊંઘ, ચિંતા અને માનસિક તણાવમાં પણ ફાયદો આપી સામાન્ય સ્વાસ્થ સુધારવામાં ઉપયોગી જણાયેલ છે.

-શું કોવીડ-19 પર આયુષ-64 ની અસર વૈજ્ઞાનિક રીતે સાબિત થયેલ છે ?

આયુષ-64 એ “સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રીસર્ચ ઇન આયુર્વેદિક સાયન્સીસ (સી.સી.આર.એ.એસ.)" દ્વારા તમામ કાયદાકીય આવશ્યક ધારાધોરણો તેમજ ઔષધ ગુણવત્તાના નિયમો અનુસાર વિકસિત કરવામાં આવેલી અનેક વાનસ્પતિક ઘટકો ધરાવતી આયુર્વેદિક દવા છે. તે એક થી વધુ કેન્દ્રો પર કરવામાં આવેલા વૈજ્ઞાનિક અભ્યાસમાં હળવા થી મધ્યમ કક્ષાના લક્ષણો ધરાવતા કોવીડ-19 રોગના દર્દીઓમાં તેમને આપવામાં આવતી નિયમિત ચિકિત્સા સાથે સહકારી ઔષધ તરીકે ચિકત્સામાં ઉપયોગી હોવાનું જણાયું છે. કોવીડ-19 ના દર્દીઓ પર કરવામાં આવેલ અભ્યાસના પરિણામોથી એ સિદ્ધ થયું છે કે માત્ર નિયમિત ચિકિત્સા લેતા રોગીઓની સાપેક્ષે તેની સાથે આયુષ-64 આપવાથી સ્વાથ્યની પુન : પ્રાપ્તિમાં નોંધપાત્ર ફાયદો થાય છે તેમજ હોસ્પિટલમાં દાખલ રહેવાના સમયગાળામાં પણ નોંધપાત્ર ઘટાડો થાય છે.

- કોવીડ-19 ના દર્દીઓ માટે તેની આદર્શ માત્રા શી છે ?

લક્ષણો વગરના કોવીડ-19 ના દર્દીઓ માટે આયુષ-64 ની 500 મી.ગ્રા.ની બે ગોળી દિવસ માં બેવાર ભોજનકર્યા ના એક કલાક પછી 14 દિવસ માટે સૂચવવામાં આવેલ છે. હળવા થી મધ્યમ કક્ષાના લક્ષણો ધરાવતા દર્દીઓમાટે આયુષ-64 ની માત્રા 500 મી.ગ્રા.ની બે ગોળી દિવસમાં ત્રણ વાર ભોજન ના એક કલાક પછી 14 દિવસ માટે લેવી જોઈએ.

-શું આયુષ-64 ની કોઈ આડ અસર છે ?

કેટલાક દર્દીઓને ઝાડા થઇ શકે છે, પરંતુ તે કોઈ ચિકિત્સા વગર પોતાની જાતે જ મટી જાય છે.

-શું આયુષ-64 કોરીડ-19 થી સુરક્ષા માટે લઇ શકાય ?

રોગથી બચવા માટે આયુષ-64 500 મી.ગ્રા.ની બે ગોળી દિવસમાં બે વાર લઇ શકાય, પરંતુ હજી સુધી રોગથી બચાવવા માટેની તેની અસરકારકતાની કોઈ વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા પુષ્ટિ થયેલ નથી. જો કોઈ વ્યક્તિ કોવીડ-19 ના દર્દીના સંપર્કમાં આવે અને જો લક્ષણો દેખાય તો આયુષ-64 લઇ શકાય છે, જોકે આવી વ્યકિતઓએ આર.ટી.પી.એસ.આર. અથવા રેપીડ એન્ટીજન ટેસ્ટ અવશ્ય કરાવવો જોઈએ તથા તે રોગ માટેની નિયમિત સારવાર પણ લેવી જોઈએ.

-કોવીડ-19 ના હળવા લક્ષણો વાળા કેસમાં આયુષ-64 એકમાત્ર ચિકિત્સા તરીકે લઇ શકાય ?

હા, જો યોગ્ય રેફરલ હોસ્પીટલની સુવિધા ઉપલબ્ધ હોય તો કોઈ પણ આયુર્વેદ ચિકિત્સકની કડક દેખરેખ નીચે તે કોવીડ-19 ના હળવા લક્ષણો વાળા કેસમાં એકમાત્ર ચિકીત્સા તરીકે લઇ શકાય છે. જ્યારે રોગી ઘરે જ એકાંતમાં સારવાર લેતા હોય ત્યારે તેને અન્ય નિયમિત ચિકિત્સા સાથે લેવી સલાહભર્યું છે. આયુષ-64 યોગ્ય આયુષ ચિકિત્સકની સલાહ અનુસાર જ લેવી જોઈએ.

-આયુષ-64 કેટલા દિવસ સુધી લેવી જોઈએ ?

આયુષ-64 ઓછા માં ઓછા 14 દિવસ લેવી જોઈએ. જો જરૂરી જણાય તો આયુર્વેદ ચિકિત્સકની સલાહ અનુસાર અને દેખરેખ હેઠળ તે 12 અઠવાડિયા સુધી લઇ શકાય છે. વૈજ્ઞાનિક રીતે કરવામાં આવેલા અભ્યાસમાં તે 12 અઠવાડિયા સુધી સલામત હોવાનું જણાયું છે.

-આયુષ-64 કેવી રીતે લેવી જોઈએ ?

આયુષ-64 ભોજન પછી એક કલાકે ગરમ પાણી સાથે લેવી જોઈએ.

-કોવીડ-19 ના એવા દર્દીઓ જેમને અન્ય રોગો હોય, તેઓ આયુષ-64 લઇ શકે ?

હા, બી.પી. કે ડાયાબિટીઝ ધરાવતા કોવીડ-19 ના હળવા થી મધ્યમ કક્ષાના લક્ષણોવાળા દર્દીઓ આયુષ-64 લઇ શકે છે. આવા દર્દીઓ એ તેમના રોગની દવાઓ બંધ ન કરવી જોઈએ.

-રસીકરણ પછી આયુષ-64 લેવા માં આવે તો તે સુરક્ષિત છે ?

હા, જો કોઈ વ્યક્તિને રસીકરણ પછી પણ કોરોના વાઇરસનો ચેપ લાગે છે તો યોગ્ય આયુર્વેદ ચિકિત્સકની સલાહ અનુસાર તે આર.ટી.પી.સી.આર. ટેસ્ટ દ્વારા નિદાન થયા ના સાત દિવસોની અંદર આયુષ-64 લઇ શકે છે. જો કે આ અંગે વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા કોઈ પુરાવા પ્રાપ્ત થયા નથી.

-શું આયુષ-64 સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ માટે સુરક્ષિત છે ?

સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓમાં આયુષ-64 સુરક્ષિત છે તેવું હજી સુધી વૈજ્ઞાનિક રીતે સ્થાપિત થયેલ નથી.

-શું આયુષ-64 બજાર માં ઉપલબ્ધ છે ?

હા, તે બજારમાં ઉપલબ્ધ છે અને આયુર્વેદ દવાઓની કોઈ પણ દુકાન પરથી ખરીદી શકાય છે. જોકે તેનો ઉપયોગ આયુર્વેદિક ચિકિત્સકની દેખરેખ હેઠળ જ થવો આવશ્યક છે, આથી દુકાનેથી તેની સીધી ખરીદી (ઓટીસી) ન થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.

-આયુષ-64 લેતી વખતે કઈ માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ ?

આયુષ-64 નો ઉપયોગ કરતી વખતે કોઇ વિશેષ તકેદારી રાખવાની આવશ્યકતા નથી. જો કે ભારત સરકારના આયુષ વિભાગ તેમજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા કોવીડ-19 સંબંધિત જે કોઈ માર્ગદર્શિકાઓ સમયાંતરે બહાર પાડવા માં આવે છે તેનું પાલન કરવું આવશ્યક છે.