આ ડબલ મર્ડર અને મહિલાઓની સાડીને ચમક આપતાં, આ કેમિકલ વચ્ચે શું કનેક્શન ?! 

જૂનાગઢની બેવડી હત્યાની તપાસ છેક અમદાવાદ પહોંચી 

આ ડબલ મર્ડર અને મહિલાઓની સાડીને ચમક આપતાં, આ કેમિકલ વચ્ચે શું કનેક્શન ?! 
symbolice image

Mysamachar.in-જુનાગઢ:

થોડાં દિવસો પહેલાં જૂનાગઢમાં કોઈ પ્રવાહી પીધાં પછી બે ઓટોચાલકના મોત નીપજ્યા હતાં. બાદમાં એવું જાહેર થયું હતું કે, આ તો ડબલ મર્ડરનો બનાવ છે. આ ડબલ મર્ડરમાં સોડિયમ સાઈનાઈડ નામનાં કાતિલ ઝેરનો ઉપયોગ થયાનું પોલીસ તપાસમાં ખૂલ્યા પછી, એવું પણ બહાર આવ્યું છે કે - આ કાતિલ ઝેર અમદાવાદથી ખરીદવામાં આવ્યું હતું. પોલીસે આ કેસમાં વધુ એક શખ્સને ઉપાડી લીધો છે.

કાલે મંગળવારે પોલીસે જાહેર કર્યું છે કે, આ પ્રકરણમાં જે ઝેરનો ઉપયોગ થયો છે તે ઝેર અમદાવાદની ઉમા કેમિકલ નામની પેઢીમાંથી ખરીદવામાં આવ્યું હતું. જે શખ્સ આ ઝેર લાવ્યો હતો તેણે વિક્રેતાને એમ જણાવ્યું હતું કે, સાડીના ધંધામાં સાડીઓના ફેબ્રિકને ચમક આપવા માટે આ કેમિકલનો ઉપયોગ કરવો છે. જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં ઈકબાલ ઉર્ફે આઝાદ શેખ નામનાં શખ્સની પણ ધરપકડ કરી. આ શખ્સ, આ કેસનાં મુખ્ય આરોપી આસિફ ચૌહાણનો લંગોટિયો ભાઈબંધ છે. આ ઈકબાલ અમદાવાદથી ઝેર લાવ્યો. કહેવાય છે કે, આ ઝેરને કારણે બે જિંદગી કાયમ માટે પોઢી ગઇ ! 

ગત્ શનિવારે પોલીસે આસિફ(34), મહેમૂદા ઘોઘારી (38) અને ઈમરાન ચૌહાણની ધરપકડ કરી હતી. મૃતક ઓટોચાલકોના નામ રફીક ઘોઘારી(40) અને ભરત(જ્હોન) પીઠડીયા(50). પોલીસનાં કહેવા પ્રમાણે, રફીકની પત્ની મહેમૂદાને આસિફ સાથે સંબંધ હતો. આ બંનેએ કોલડ્રીંકની ખાલી બોટલમાં ઝેર મૂક્યું હતું. જેમાં બંને ઓટોચાલકોએ શરાબ ભરીને પછી, પીધો હતો ! આસિફે ઝેર મેળવવા ઈકબાલનો સંપર્ક કર્યો હતો. ઈકબાલ ઝેર માટે જેતપુરનાં યશ ગોંડલિયાને મળ્યો. યશ અગાઉ ડાઈંગ( સાડી ઉદ્યોગ) ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો હતો.

શરૂઆતમાં યશે ઈકબાલને મદદ કરવા ના પાડી હતી. બાદમાં ઈકબાલનાં મિત્ર સરફરાઝ ખેડારાએ યશને ભરોસો અપાવ્યો હતો કે, ઈકબાલને સાડી ઉદ્યોગ માટે આ કેમિકલ(સાઈનાઈડ)જોઈએ છે. પછી, યશે અમદાવાદથી કુરિયર મારફતે આ કેમિકલ ઉમા કેમિકલમાંથી મેળવી ઈકબાલને આપ્યું. આ કેમિકલ લાયસન્સ વિના નથી વેચી શકાતું. પોલીસે ઉમા કેમિકલ પાસે વેચાણ બિલ અને પરવાનાની નકલો માંગી છે. આ  સાઈનાઈડ ઉમા કેમિકલે સુરતની એક ફેકટરી પાસેથી વેચાણ લીધું હતું.

હાલમાં જૂનાગઢ પોલીસ સરફરાઝ અને યશની આ કેસમાં ભૂમિકા સ્પષ્ટ કરવાની દિશામાં આગળ વધી રહી છે. તેઓ બંને ઝેર મેળવવા પાછળનાં ઈકબાલનાં ઈરાદા અંગે અજાણ હતાં, એવું આ બંને ઈસમો જણાવી રહ્યા છે. તેઓની ભૂમિકાઓ સ્પષ્ટ થયાં પછી પોલીસ તેની બંન્નેની વિરુદ્ધ એકશન લેશે. ડબલ મર્ડરનાં આ બનાવે જૂનાગઢ સહિતના સમગ્ર સૌરાષ્ટ્રમાં ચકચાર મચાવી છે. પોલીસ તપાસ આગળ વધી રહી છે.