હોટેલો-રેસ્ટોરન્ટનાં રસોડામાં શું રંધાઈ રહ્યું છે ?!: ગંભીર બાબત

મન્ચૂરિયન અને પેંડાનાં ધંધાર્થીઓ તો ચેકીંગને પણ દાદ આપતાં નથી ! 

હોટેલો-રેસ્ટોરન્ટનાં રસોડામાં શું રંધાઈ રહ્યું છે ?!: ગંભીર બાબત
file image

Mysamachar.in-જામનગર:

ખાદ્યચીજો કોઈ પણ અર્થમાં અખાદ્ય હોય, માણસનાં શરીરને નુકસાન કરનાર હોય, છતાં આવી અખાદ્ય ચીજોનો વેપાર અને સંગ્રહ થતો રહે, આવી ખરાબ ચીજો લોકોનાં પેટમાં જાય.! લોકોનું આરોગ્ય જોખમાય, છતાં બધું જ યથાવત્ ચાલતું રહે ! એ કેવું?! વેપારીઓ અને તંત્રો તો સમજ્યા, લોકો કયારે જાગૃત બનશે ?! એ પણ મહત્વનો સવાલ છે. કેટલાંક ધંધાર્થીઓ તો ચેકીંગમાં ઝડપાઈ ગયા પછી પણ પોતાની રીતે ધંધો કરતાં જ રહે છે અને લોકો આવાં સ્થળોએથી પણ અખાદ્ય ચીજો ખરીદતાં જ રહે છે ! આ બાબત રેકર્ડ પર છે ! ઉપરાઉપરી ફરી વખત થયેલાં ચેકીંગમાં આવાં બે ધંધાર્થીઓ ફરી એકવાર ઝડપાઈ ગયા. હા, જામનગરની જ વાત છે. તાજી જ વાત છે. આપનાં આરોગ્યની કાળજી લ્યો, ખાસ ધ્યાન આપો.

જામનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખા જણાવે છે, કાલે મંગળવારે શહેરમાં વિવિધ વિસ્તારોમાં કુલ 35 પેઢીઓમાં તપાસ કરવામાં આવી. જેમાં શહેરના નાગનાથ ગેઈટ, સુભાષ બ્રિજ, ગુલાબનગર, જીજી હોસ્પિટલ, ગ્રેઈન માર્કેટ, શેઠ ભગવાનદાસ રોડ ( પ્લોટ), જનતા ફાટક તથા પટેલ કોલોની સહિતનાં વિસ્તારોનો સમાવેશ થાય છે. આ વિસ્તારોનાં ખાદ્યચીજોનાં ધંધાર્થીઓ સ્વચ્છતા જાળવતાં નથી, ખાદ્ય પદાર્થો ઢાંકીને રાખતાં નથી ! આ ધંધાર્થીઓને હાઈજિનિક કંડીશન જાળવવા તાકીદ કરવામાં આવી છે.

સુભાષબ્રિજ નજીકનાં જય ભોલે રેસ્ટોરન્ટમાં ઉપરાઉપરી બીજી વખત તપાસ કરવામાં આવી, પ્રથમ વખત અખાદ્ય મન્ચૂરિયનનો નાશ કરવામાં આવ્યા પછી કાલે મંગળવારે પણ આ સ્થળે અખાદ્ય મન્ચૂરિયનનો જથ્થો મળી આવ્યો ! ફરીથી અધિકારીઓએ 40 કિલો મન્ચૂરિયનનો નાશ કરવો પડ્યો ! આ ઉપરાંત જયદીપભાઈ જાંબુવાળાને ત્યાં તાજેતરમાં ટીમે પેંડાના અખાદ્ય જથ્થાનો નાશ કર્યો હતો ત્યાં ફરી અખાદ્ય પેંડા મળી આવ્યા ! ફરી 35 કિલો અખાદ્ય પેંડાનો ટીમે નાશ કર્યો ! લોકો આવા પેંડા ખાતાં પણ હશે જ.

જય ભોલે તથા જયદીપભાઈને આખરી ચેતવણી આપી દેવામાં આવી છે કે, હવે જો અખાદ્ય ચીજો ઝડપાશે તો, ફૂડ લાયસન્સ રદ્દ કરવામાં આવશે. ટૂંકમાં, તાળું લાગી જશે. આ ઉપરાંત રાજપાર્ક વિસ્તારમાં રજવાડી ચાઈનીઝને ત્યાંથી 3 કિલો વાસી મન્ચૂરિયન, ગુલાબનગરમાં કિરણ ચાઈનીઝને ત્યાંથી 8 કિલો વાસી મન્ચૂરિયન, અકસ ફાસ્ટફૂડમાંથી 2 કિલો મન્ચૂરિયન, 1 કિલો ડ્રેગન પોટેટો, 1 કિલો નુડલ્સ અને વ્હી ગજાનંદ ફાસ્ટફૂડમાંથી 8 કિલો વાસી મન્ચૂરિયનનાં જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે.  આ સાથે જ દશેરાને ધ્યાનમાં રાખીને મીઠાઈ તથા ફરસાણની કુલ 12 દુકાનોએથી ખાદ્ય પદાર્થોનાં નમૂનાઓ લઈ ચકાસણી માટે વડોદરા મોકલવામાં આવ્યા છે.

જો કે, આ નમૂનાઓ ધરાવતી મિઠાઈ અને ફરસાણ ખાદ્ય છે કે કેમ ?! તેનાં રિપોર્ટ આવે તે પહેલાં તો આ ચીજો લોકોનાં પેટમાં જતી રહેશે !! આ આખાં વિષયમાં 'જય હો ' બોલવાથી વિશેષ કશું કરવાનું રહેતું નથી કેમ કે, દાયકાઓથી બધું આમ જ ચાલે છે ! લોકજાગૃતિ ઓછી અને સરકાર કડક બનવા ઇચ્છતી નથી, ત્યાં સુધી બધું આમ જ ચાલતું રહેશે !!