Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં હવે ધીરે ધીરે ચોમાસું બીજા રાઉન્ડમાં સક્રિય થઈ રહ્યું છે. આવનારા 24 કલાકમાં વરસાદને લઈને હવામાન ખાતાએ મોટી આગાહી કરી છે. રાજ્યના દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં વરસાદની પૂરી સંભાવના છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે એમ છે. જ્યારે દક્ષિણ પંથકના નવસારી, ડાંગ,સુરત અને તાપીમાં ભારે વરસાદ થાય એવા એંધાણ છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ,અમરેલી અને જૂનાગઢમાં મેઘકૃપા થઈ શકે છે. આ વાવડથી ધરતીપુત્રોમાં રાજીપો છવાયો છે.
રાજ્યના હવામાન ખાતાએ જણાવ્યું કે, આવનારા 24 કલાકમાં ગુજરાતમાં સારો એવો વરસાદ થવાની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી ભારે કહી શકાય એવો વરસાદની થશે. જેને ધ્યાને લઈ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે. દરિયા કિનારે ભારે પવન ફૂંકાઈ શકે છે. વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે મધ્ય ગુજરાતમાં છૂટાછવાયા છાંટા પડી શકે એમ છે. હવામાન ખાતું કહે છે કે, સૌરાષ્ટ્રમાં આ વખતે સારો એવો વરસાદ થશે. દક્ષિણ ગુજરાતના દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના અપાઈ છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક મનોરમા મોહંતીએ જણાવ્યું કે, નવસારી, સુરત અને ડાંગમાં વરસાદ થઈ શકે છે. જોકે, છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્ર પંથકમાં વરસાદ માત્ર હાઉકલી કરીને જતો રહે છે. જૂનાગઢને બાદ કરતા માત્ર છૂટોછવાયો વરસાદ પડ્યો છે. જ્યારે સુરત તથા વલસાડમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતા.