Mysamachar.in-નર્મદા
આજના સમયમાં નકલી પોલીસ પીએસઆઈ અને ત્યાં સુધી કે નકલી નાયબ કલેકટર અને એસપી બનીને રોફ જમાવતા ઈસમોનો જયારે ભાંડાફોડ થાય ત્યારે જોવા જેવી થાય છે, આવો જ એક કિસ્સો ભરૂચ જીલ્લામાં સામે આવ્યો વાત એવી છે કે ગઈકાલે સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હતું. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પર સોમવારે નકલી પોલીસ અસલી પોલીસનો રોફ મારી ઘુસવા જતા એમનો ભાંડો ફૂટ્યો હતો. બાદમાં પોલીસે પૂછતાછ હાથ ધરતા પોતે નકલી પોલીસનો ડ્રેસ પહેર્યો હોવાનું ખુદ કબુલ્યું હતું.
જાણવા મળતી વિગતો મુજબ સુરતથી 5-6 યુવાનો ગઈ કાલે વડોદરા કામ અર્થે આવ્યા હતા. સોમવારે સ્ટેચ્યુ ઓફ યુનિટી બંધ હોવાની વાતથી અજાણ કામ પૂર્ણ થતાં તેઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવ્યા હતા. એસ.આર.પી 18 ગ્રુપ પોલીસે એમને અંદર ઘુસવા ન દેતા યુવાનો પૈકીના અમિત સિંગે પોલીસનો નકલી ડ્રેસ પહેરી પોતે પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસની પૂછતાછમાં અંતે એણે પોતે પોલીસ ન હોવાનું કબુલ્યું હતું. કેવડિયા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે કેવડિયા ડી.વાય.એસ.પીએ જણાવ્યું હતું કે, વાગડીયા નજીક એસ.આર.પી 18 ના જવાનો વાહન ચેકીંગ કરી રહ્યાં હતાં, ત્યારે કાર રોકી ચેકીંગ હાથ ધર્યું હતું. કારમાં 4-5 યુવાનોમાંથી એક યુવાન પોલિસનો ડ્રેસ પહેરીને બેઠો હતો એની પાસે આઈ.કાર્ડ માંગ્યું હતું એ ન આપતા એની પર શંકા ગઈ હતી. ત્યારબાદ એની સાથે અન્ય યુવાનોએ પોલીસને કહ્યુ હતુ કે, એણે નકલી ડ્રેસ પહેર્યો છે. આ મામલે 5 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી મોબાઈલ અને કાર જપ્ત કર્યા છે. આ યુવાનોએ ફેસબુક પર ફોટા પાડી અપલોડ કરી રોફ જમાવવા પોલીસનો ડ્રેસ ખારીદ્યો હોવાનું પણ માસુમીયત સાથે કબુલ્યું છે અને હવે તેને અઘરું પણ અસલી પોલીસને હાથ આવી જતા પડ્યું છે.