Mysamachar.in-અમદાવાદ
રાજ્યમાં મહિલાઓ પર દરરોજ દુષ્કર્મના કેસ સામે આવે છે. તે અંગે તાજેતરમાં વિધાનસભામાં આંકડાઓ પણ રજુ થયા હતા, એવામાં આવી જ વધુ એક ઘટના અમદાવાદમાં સામે આવી છે, જ્યાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ યુવક વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં તેણીએ અનેક આક્ષેપો પણ લગાવ્યા છે, જેમાં 21 વર્ષની યુવતીએ આરોપી યુવક અને તેની માતા સામે ફરિયાદ કરી છે. આ ફરિયાદમાં યુવતીએ જણાવ્યું છે કે, આરોપી યુવકે સોફટ ડ્રિંકમાં કાંઇ ભેળવીને તેની પર દુષ્કર્મ ગુજાર્યું છે. તે દરમિયાન તેના અંગત ફોટા પણ પાડી લીધા હતા. જે ફોટાથી આરોપી ફરિયાદીને બ્લેકમેઇલ કરતો હતો. તેણે યુવતીને બળજબરીથી લિવ ઇનના કાગળો પર પણ સહી કરાવી લીધી હતી.
ભોગ બનનાર યુવતી છેલ્લા 5 વર્ષથી અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં પોતાના પરિવાર સાથે રહે છે. ફરિયાદ પ્રમાણે યુવતી માર્ચ 2020થી યુવકના સંપર્કમાં આવી હતી.ત્યાર બાદ તેમની વચ્ચે મોબાઈલ પર વાત થતી હતી. આ બંનેની મુલાકાત સોશિયલ મીડિયા થકી થઇ હતી. થોડી મિત્રતા બાદ યુવકે જુલાઇ 2020માં યુવતીને વીડિયો ફોન કરી તેને પોતાની વાતોમાં ફસાવીને ઉપરના કપડાં ઉતારવા કહ્યું હતુ. યુવતી તે યુવકની વાતોમાં આવી ગઇ હતી અને તેણે કપડાં ઉતારી દીધા હતા. જે દરમિયાન આરોપી યુવકે યુવતીના ફોટો પાડી લીધા હતા.
જે બાદ થોડો સમય પછી આરોપી યુવકના યુવતી ઉપર ફોન આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે, મારા ઘરમાં બીજી છોકરી સાથે લગ્નની વાત ચાલી રહી છે. જેથી તું મળવા આવ પરંતુ યુવતીએ ના પાડતા આરોપીએ નગ્ન ફોટા વાયરલ કરવાની ધમકી આપી હતી. જેથી યુવતી તેને મળવા આવી હતી. આરોપી યુવકે પોતાની બુલેટ મૂકી ત્યાંથી ઉબેરમાં સરખેજ હાઈવે પર એક હોટેલમાં લઈ ગયો અને ત્યાં જમવાનું અને સોફ્ટ ડ્રિન્ક મંગાવ્યુ હતુ. આ પીણામાં કેફી પદાર્થ નાખી દીધો હતો. જેનાથી યુવતી બેભાન થઈ ગઇ હતી.
સાંજે જયારે તે જાગી ત્યારે પ્રવાઇવેટ પાર્ટમાં દુખાવો થતા તેને આરોપી યુવકને પૂછ્યું તેને શારીરિક સંબંધ બાંધ્યા હોવાની વાત કહી અને તેના ફોટો પણ પડાવી લીધા હોવાનું કહ્યું હતુ. જે બાદ થોડા દિવસો પછી યુવતીને કોર્ટમાં લઈ જઈ જબરદસ્તી લિવ ઈન રીલેશનશિપના કાગળ ઉપર સહીઓ પણ કરાવી લીધી હતી. મહત્વનું છે કે, આરોપી યુવતીને બદનામ કરવા સોશિયલ મીડિયામાં પણ તેના ફોટો મુકવાનું ચાલુ રાખ્યુ હતું. જેથી ફરિયાદી એ આરોપી યુવક અને તેની માતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.