મેયરપદે વિનોદ ખીમસુર્યા તો સ્ટેન્ડિંગ કમિટીનો તાજ યુવા નિલેશ કગથરાને શિરે

બ્રાહ્મણોને ફરી મનાવી લેવામાં આવ્યા, ડેપ્યુટી મેયરપદ પર મહિલા આરૂઢ થયા

મેયરપદે વિનોદ ખીમસુર્યા તો સ્ટેન્ડિંગ કમિટીનો તાજ યુવા નિલેશ કગથરાને શિરે

Mysamachar.in:જામનગર

ઘણાં લાંબા સમયથી જામનગરમાં સૌને ઈંતજાર હતો કે, કોર્પોરેશનની આગામી ટર્મમાં ભાજપાના પાંચ પદાધિકારીઓ કોણ-કોણ હશે ? અને આગામી સમયમાં લોકસભા ચૂંટણીઓ પણ આવી રહી હોય શાસકપક્ષનું મોવડીમંડળ શું પતાં ગોઠવે છે ? તે જાણવામાં પણ રાજકારણના શોખીનોને ખૂબ જ ઉતેજના હતી. આખરે આજે શહેર ભાજપ કાર્યાલય ખાતે નામોનો પિટારો ખૂલ્યો. જો કે વરણી પહેલાંની બેઠક દરમિયાન બિનસતાવાર રીતે નામોની ચર્ચાઓ બહુ ઝડપથી શરૂ થઈ જતાં શાસકપક્ષે પરિસ્થિતિ પર અંકુશ મેળવવો અઘરો પડી ગયો હતો. સૌના ફોનની ઘંટડીઓ રણકાર કરવા માંડી હતી ! અને પછી થોડોક સમય વાતાવરણ ઉચાટભર્યું બની ગયું હતું. સૌના ચહેરા પર એક જ ભાવ 'શું થશે?' જો કે આ પ્રશ્નનો જવાબ કોઈ પાસે ન હતો કેમ કે પ્રદેશમાંથી આવેલાં નામોના કવરો હજુ ખૂલ્યા ન હતાં !

વાતાવરણમાં જબરી ઉતેજના વચ્ચે શાસકપક્ષ દ્વારા પાંચેય નવા પદાધિકારીઓના નામો આખરે જાહેર કરી દઈ સ્થિતિ શાંત પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જો કે નામોની જાહેરાત થતાં જ શાસકપક્ષના ઘણાં ચહેરાઓનું નૂર ઉડી ગયું ! વાતાવરણમાં ઉમંગને બદલે અસંતોષના ઓછાયા ઉતરી આવતાં સમગ્ર શાસકપક્ષમાં ન સમજી શકાય તેવો ધૂંધવાટ છવાઈ ગયો છતાં ઘણાં લોકોએ બધું બરાબર છે એવું દેખાડવા જાતજાતના અભિનય કર્યા.

ધારણાંઓ મુજબ જ મેયરપદ અનામત બેઠકના સૌથી પ્રખ્યાત કોર્પોરેટર વિનોદ ખીમસૂર્યાને આપવામાં આવ્યું. ડેપ્યુટી મેયરપદ માટે આ વખતે પણ જોરદાર લોબિંગ હતું. બ્રહ્મસમાજને આ વખતે પણ સમજાવી લેવામાં આવ્યો અને શાસકજૂથ નેતાપદ ફરી આપી દેવામાં આવ્યું, પદાધિકારીઓની પસંદગીમાં વોર્ડ રિપિટ થયો તો પણ એ પસંદગી કરવામાં આવી. ઘણાં લોકોએ પક્ષને કલર દેખાડવા પ્રયાસ કરેલો તેઓને ડેપ્યુટી મેયર પદ પણ ન આપી પક્ષે પોતાની સર્વોપરિતા કાયમ રાખી અને લોકસભા ચૂંટણી ગણિત ધ્યાનમાં લઈ પૂર્વ મેયરના વોર્ડ નંબર 10 ને ડેપ્યુટી મેયરપદ ક્રિષ્નાબેન સોઢા તરીકે આપવામાં આવ્યું.

સૌની નજર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદ પર હતી. પરંતુ પાર્ટી ચાહતી હતી કે આ પદ પર ચૂંટણી સમયે કોઈ 'વેપારી'ને બેસાડવામાં આવે અને સવર્ણોને પણ સાચવી લેવામાં આવે. આ પદ સૂઝબૂઝ ધરાવતી વ્યક્તિઓ માટે શાસકપક્ષ દ્વારા અનામત રાખવામાં આવતું હોય છે, આ વખતે પણ એમ જ બન્યું. વરસોથી બિઝનેસ સાથે સંકળાયેલા અને વિપક્ષને ભરી પિવે તેવા તેમજ સૌ સવર્ણ મતદારોને સાથે લઈ ચાલી શકે એવા નિલેશ કગથરાને આ પદ આપી પાર્ટીએ એકસાથે ઘણાં ભરત ભરી લીધાં છે એવું જાણકારો કહે છે. વોર્ડ નંબર પાંચ માફક વોર્ડ નંબર નવ પર પણ પાર્ટીને વધુ પ્રેમ હોય તેવું દેખાઈ રહ્યં છે. આ બે વોર્ડ પદમાં રિપિટ થયા ! સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત પદાધિકારીઓની પસંદગીઓમાં એ રહી કે મોટું જનપ્રતિનિધિત્વ ધરાવતી જ્ઞાતિઓને શહેરના રાજકારણ અને સમાજકારણમાં દૂર રાખી અન્ય જ્ઞાતિઓને 'સાચવી' લેવાની કુશળતાના દર્શન કરાવ્યા અને સૌને મેસેજ પણ આપી દીધો.

અત્રે ઉલ્લેખનિય છે કે, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદ માટે પુષ્કળ કોર્પોરેટર મધલાળ ટપકાવતાં હતાં પરંતુ પાર્ટીએ આ પદ પૂરતી વેપારીબુદ્ધિનો ઉપયોગ કરી લીધો અને કસાયેલા યુવા નેતા નિલેષ કગથરાને પદ આપી વધુ એક વખત ઉંચાનીચા થનારાઓને સ્પષ્ટ સમજાવી દીધું કે, ધાર્યું હંમેશા ધણીનું જ થાય. નહોર ભરાવનારાઓને કે સેટિંગ કરનારાઓને પક્ષે સાનમાં ઘણું સમજાવી દીધું છે અને ચૂંટણીઓમાં શહેરના ગણિતને મહત્વ આપ્યું હોય એવું સમજાઈ રહ્યું છે. પક્ષમાં અમે બાહુબલિ એમ માનનારાઓને સમજાવવામાં આવ્યું કે, પક્ષ જ સર્વોપરિ હોય છે વ્યક્તિ નહીં.

દર વખતની માફક આ વખતે પણ શાસકજૂથ નેતાપદ અને દંડકના પદનો ઉપયોગ થાગડથીગડ માટે કરવામાં આવ્યો હોય એવું દેખાઈ રહ્યું છે. જો કે જામનગર શહેરમાં શાસકપક્ષ પાસે બહોળા મતદારો હોય, પક્ષે પસંદગીઓમાં જ્ઞાતિપરિબળને વધુ પડતું મહત્ત્વ આપવાને બદલે પક્ષને સંગઠિત રાખવાનો જ વ્યાયામ કર્યો હોય એવું દેખાઈ રહ્યું છે. અને આમ સરવાળે જોઈએ તો પદો બધાં શોભાના જ હોય છે, ખરું સંચાલન તો 'ઉપરી આદેશો' મુજબ જ થતું હોય છે, ભૂતકાળ સાક્ષી છે. છતાં સ્થાનિક સ્તરે સૌને ખુશ રાખવાનો પ્રયાસ થયો છે તેમ પણ કહી શકાય. શાસકજૂથ નેતાપદ આ વખતે પણ બ્રહ્મસમાજને, આશિષ જોષીને આપવામાં આવ્યું જયારે દંડકપદ વિશાળ જ્ઞાતિના યુવા પ્રતિનિધિ કેતન નાખવાને આપવામાં આવ્યું. એકંદરે સમગ્ર ટીમ યુવા છે.

-ત્રણ સમાજોને હોદ્દાઓમાંથી OUT કરતી BJP.....

પ્રદેશ બીજેપીએ આવતાં વર્ષે લોકસભા ચૂંટણીઓ આવી રહી હોવા છતાં કોર્પોરેશનમાંથી પદોની પસંદગીમાં ત્રણ બાહુબલિ જ્ઞાતિઓ પટેલ, આહિર અને રાજપૂત સમાજોની એક જ ધડાકે બાદબાકી કરી નાંખતા રાજકીય નિરીક્ષકો માથું ખંજવાળે છે કે, પાર્ટીનું ચૂંટણીગણિત શું હોય શકે ?! અત્રે ઉલ્લેખનિય છે કે, આ ત્રણેય સમાજના કોર્પોરેટર દ્વારા ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનપદ માટે આકાશપાતાળ એક કર્યા હતાં એમ પણ કહેવાય છે !