ખંભાળિયામા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત અને વિજય સરઘસ

હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

ખંભાળિયામા પૂનમબેન માડમનું ભવ્ય સ્વાગત અને  વિજય સરઘસ

Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
જામનગરના સાંસદ તરીકે ફરીથી ઐતિહાસિક લીડથી વિજેતા થયેલા પૂનમબેન માડમનું ભવ્ય વિજય સરઘસ ખંભાળિયામાં નીકળ્યું હતું,જેમાં ભાજપના કાર્યકરો સાથે ખંભાળિયાના શહેરીજનો,મહિલાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા,


ખંભાળિયામાં ચારરસ્તા પાસે પૂનમબેન માડમ આવી પહોંચતા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું,સરઘસ ત્યાથી નગર ગેઇટ પહોંચ્યું હતું,જ્યાં પૂર્વ ભાજપ પ્રમુખ યોગેશભાઈ મોટાણી તથા પૂર્વ જિલ્લા મહિલા પ્રમુખ જૈમિનીબેન મોટાણી દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું,જ્યાંથી વિજય સરઘસ નવાપરા પાસે પહોંચતા અગ્રણી બિલ્ડર તથા રઘુવંશી અગ્રણી સુધીર પોપટ દ્વારા વિશાળ સંખ્યામાં મહિલાઓ સાથે સૂંડલા ભરીને ગુલાબના ફૂલથી વિશિષ્ટ સ્વાગત કરવામાં આવ્યું હતું,જે બાદ વિજય સરઘસ જોધપુર નાકે પહોંચ્યું હતું.જ્યાં વિશાળ વિજયસભામાં ફેરવાયું હતું,


વિજયસભાને સંબોધતા સાંસદ પૂનમબેન માડમ લોકોનો પ્રેમ જોઇને ગળગળા થઈ ગયા હતા તથા દેવભૂમિ જિલ્લાએ હજારોની લીડ આપી અને ઐતિહાસિક લીડ મેળવવામાં મદદરૂપ થનાર દેવભૂમિ જિલ્લાની જનતાનો આભાર માનીને દેવભૂમિ જિલ્લો પછાત અને છેવાડાનો જિલ્લો છે તેની છાપ ભૂંસી નાખીને વિકાસના પંથે દોડતો કરી દેવા ખાતરી આપી હતી,

આવડી મોટી લીડ પ્રજાએ આપીને ફરીથી સાંસદ તરીકે ચૂંટીને વિશ્વાસ વ્યક્ત કર્યો હોય તેનું ઋણ ચૂકવવા માટે તમામ કાર્યો કરવાની ખાતરી આપી હતી તથા આ જિલ્લા માટે તેમની વિશેષ જવાબદારી હોવાનું જણાવીને જનતાનો આભાર માન્યો હતો.


વિજયસભામાં ભાજપના જિલ્લા પ્રમુખ કારુભાઈ ચાવડા,પૂર્વમંત્રી મુળુભાઇ બેરા,પૂર્વ ધારાસભ્ય મેઘજીભાઇ કણજારિયાએ પણ પ્રાસંગિક પ્રવચન કરીને લોકોનો આભાર માન્યો હતો,ખંભાળિયાની વિજયસભામાં સંખ્યાબંધ સંસ્થાઑ તથા વિવિધ જ્ઞાતિના અગ્રણીઑ તથા હોદ્દેદારો દ્વારા પણ પૂનમબેનનું સન્માન કરાયું હતું.