જામનગર સહિત રાજયભરમાં 'અલાયક' શિક્ષકો ભણાવે છે !!

સરકારે વિધાનસભામાં આ હકીકતનો સ્વીકાર કર્યો: ખાનગી પ્રાથમિક શાળાઓ ચર્ચામાં....

જામનગર સહિત રાજયભરમાં 'અલાયક' શિક્ષકો ભણાવે છે !!

Mysamachar.in-ગાંધીનગર:

ગુજરાતનું શિક્ષણ કાયમ ચર્ચાઓમાં રહે છે! દરેક વખતે મુદ્દાઓ અલગઅલગ હોય છે પરંતુ એક હકીકત સામાન્ય હોય છે કે, શિક્ષણના ક્ષેત્રમાં લાલિયાવાડી ચાલે છે! આ પ્રકારની વધુ એક હકીકત બહાર આવી છે, જેનો ખુદ સરકારે વિધાનસભામાં સ્વીકાર કરવો પડ્યો છે.  વિધાનસભામાં એક પ્રશ્નના ઉત્તરમાં સરકારે સ્વીકાર કર્યો કે, જામનગરમાં 3 ખાનગી પ્રાથમિક શાળાઓ એવી છે જેમાં કુલ 6 શિક્ષકો લાયકાત ધરાવતા નથી. સરકારે જવાબ આપ્યો કે, રાજયના વિવિધ જિલ્લાઓમાં આ પ્રકારના આંકડાઓ રેકર્ડ પર છે. આ પ્રકારની રાજયની કુલ 760 શાળાઓ એવી છે જેમાં લાયકાત વગરના શિક્ષકો ભણાવે છે  ! આવા શિક્ષકોની સંખ્યા 1,885 છે. જેઓ RTE ની જોગવાઇ મુજબની લાયકાત ધરાવતા નથી.

સરકાર વતી બચાવમાં શિક્ષણમંત્રીએ કહ્યું કે, તાલીમી શિક્ષકો ઉપલબ્ધ ન હોવાથી લાયકાત વગરના શિક્ષકો અભ્યાસ કરાવી રહ્યા છે. અમદાવાદની 306 શાળાઓમાં આવા 805 શિક્ષક છે. ગાંધીનગરની 55 શાળાઓમાં 136 શિક્ષક લાયકાત ધરાવતા નથી. સરકારે આ ઉપરાંત સ્વીકાર કર્યો કે, 88 યુનિવર્સિટીઓ, 2,371કોલેજો પાસે NAAC માન્યતા નથી. રાજયમાં 926 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક છે.