ચોરની અનોખી દાસ્તાન, આનંદ ચોરી કરવા જતો તે પહેલા માનતા રાખતો, કામ પૂર્ણ થાય એટલે જામજોધપુર બલી ચઢાવી માનતા પૂર્ણ કરતો

ચોરી કરવા જાય ત્યારે સફેદ કપડાં જ પહેરતો હતો

ચોરની અનોખી દાસ્તાન, આનંદ ચોરી કરવા જતો તે પહેલા માનતા રાખતો, કામ પૂર્ણ થાય એટલે જામજોધપુર બલી ચઢાવી માનતા પૂર્ણ કરતો

Mysamachar.in-રાજકોટ

રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં મોટી ચોરીઓ કરીને પોલીસને પડકાર ફેંકનારા રીઢા ધનાઢય તસ્કર આનંદ જેસંગ સીતાપરા અને તેના પુત્ર હસમુખ એમ પિતા, પુત્રની બેલડીને ક્રાઈમબ્રાન્ચે પકડી પાડી રામકૃષ્ણનગરમાં થયેલી લાખોની ચોરી ઉપરાંત શહેરમાં એક ડઝન સ્થળે થયેલી ચોરી, ચોરીની કોશીષની ઘટનાઓનો ભેદ ઉકેલી આનંદે ચોરીમાં ઉપયોગમાં લીધેલું બાઈક સહિતની ચીજવસ્તુઓ સાથે ઝડપી પાડ્યો છે,

કરોડપતિ ચોર તરીકે કુખ્યાત આનંદ સીતાપરાએ છેલ્લા ચાર મહિનામાં રાજકોટ શહેરમાં 12 સ્થળે ખાબકી લાખો રૂપિયાનો મુદ્દામાલની ચોરીની વારદાતોને અંજામ આપ્યો છે, પોલીસે આનંદ અને તેના પુત્રને ઝડપી લઇ રૂ.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. તેનો સાગરીત અગાઉથી જેલમાં હોય પોલીસે તેનો કબજો મેળવવાની તજવીજ શરૂ કરી હતી.

નવેમ્બર મહિનામાં મિલપરામાં મકાનના તાળાં તોડી તસ્કરો રૂ.2.50 લાખનો મુદ્દામાલ ઉઠાવી ગયા હતા, એજ સમયગાળામાં રામકૃષ્ણનગરના બંધ મકાનમાંથી રોકડા રૂ.13 લાખ અને સોનાના દાગીના સહિત લાખો રૂપિયાની ચોરી થઇ હતી, છેલ્લા ચાર મહિનામાં ચોરીનો આંક ચિંતાજનક રીતે વધતા પોલીસે વિવિધ દિશામાં તપાસ શરૂ કરી હતી. લાખો રૂપિયાની ચોરી થઇ હતી તે સ્થળે પોલીસે સીસીટીવી કેમેરા ચેક કરતા જે સ્ટાઇલથી ચોરી થઇ હતી અને જે શખ્સ દેખાતો હતો તે સુરત રહેતા નામચીન તસ્કર આનંદ જેસીંગ સીતાપરાની સંડોવણી હોવાની પોલીસને દૃઢ શંકા ઊઠી હતી.

દરમિયાન આનંદ ઉર્ફે જયંતી જેસીંગ સીતાપરા અને તેનો પુત્ર હસમુખ સીતાપરા ચીથરિયા પીરની દરગાહ નજીક હોવાની માહિતી મળતાં ક્રાઇમ બ્રાંચના ટીમ ત્યાં  દોડી ગઇ હતી. પોલીસે આનંદ અને તેના પુત્ર હસમુખને ઉઠાવી લઇ આગવીઢબે પૂછપરછ કરતાં આનંદે રાજકોટ શહેરમાં છેલ્લા ચાર મહિનામાં રામકૃષ્ણનગર, મિલપરા અને ઇન્દ્રપ્રસ્થનગરમાં થયેલી ચોરી સહિત 12 ચોરી કબૂલી હતી. પોલીસે આરોપી પિતા પુત્ર પાસેથી રૂ.10.50 લાખના સોના-ચાંદીના દાગીના, રોકડા રૂ.3.19 લાખ, રૂ.1.25 લાખના 2 બાઇક અને રૂ.7 હજારની ઘડિયાળ સહિત કુલ રૂ.15,01,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આનંદે કબૂલાત આપી હતી કે, પોતે ચોરી કરી તે તમામ સ્થળે તેની સાથે કોઠારિયામાં રહેતા પીયૂષ વિનુ અમરેલિયાની પણ સંડોવણી હતી. આનંદ સીતાપરા વર્ષ 2007 પહેલા રાજકોટના કોઠારિયા રોડ પર રહેતો હતો અને તેને ત્રણ માળનું મકાન હતું જે મકાન સેન્ટ્રલી એરકન્ડિશનર હતું. વૈભવી જીવન જીવતો આનંદ સીતાપરા વર્ષોથી ચોરી કરતો હતો અને અગાઉ 32 ચોરીના ગુનામાં તેની સંડોવણી ખૂલી હતી અને એક વખત પાસા પણ થઇ હતી. આનંદ ચોરી કરવા જતો હતો તે પહેલા માનતા રાખતો હતો. અને મોટો દલ્લો હાથ આવ્યા બાદ જામજોધપુરમાં આવેલા મંદિરે જઇ બલિ ચડાવી માનતા પૂરી કરતો હતો.

કરોડપતિ ચોર આનંદ સીતાપરા વર્ષોથી ચોરી કરતો હતો, દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં ફરી બંગલાની રેકી કરતો, બંધ બંગલો દેખાય એટલે તેને નિશાન બનાવતો. રાત્રીના ચોરી કરવા જાય ત્યારે પીયૂષના બાઇક પાછળ બેસતો ઓળખ ન થાય તે માટે બાઇકમાં નંબર પ્લેટ રાખતો નહીં અને પીયૂષને હેલ્મેટ પહેરાવતો હતો. ચોક્કસ મકાને પહોંચ્યા બાદ આનંદ બંગલામાં એકલો જ ઘૂસતો, પીયૂષને ત્યાંથી રવાના કરી દેતો, અને દલ્લો હાથ આવ્યા બાદ પીયૂષને બોલાવી રવાના થઇ જતો હતો.

વૈભવી લાઇફ સ્ટાઇલ ધરાવતો આનંદ સીતાપરા ચોરી કરવા જાય ત્યારે સફેદ કપડાં જ પહેરતો હતો જ્યારે કોઇ મકાન નજીક રેકી કરતો હોય અને કોઇ વ્યક્તિ તેને ટપારે તો મરણના કામે જતો હોવાનું કહેતો. તેનો પોશાક જોઇ સામેની વ્યક્તિને સહાનુભૂતિ થતી અને મોકો મળતા જ ઘરમાં ઘૂસી જતો હતો. પોલીસનું કહેવું છે કે આનંદ ખૂબ ચબરાક છે, ચોરાઉ દાગીના સગેવગે કરવા માટે તેણે અનોખો રસ્તો અખત્યાર કર્યો હતો. સોનાના દાગીના સોની વેપારીને આપી દેતો હતો અને તેના બદલામાં નવા બિલવાળા ઘરેણાં બનાવી લેતો હતો, અને તે દાગીના અન્ય સોની પાસે વેચવા જાય ત્યારે બિલ રજૂ કરતો આથી કોઇને શંકા ન જાય આમ પિતાપુત્રની ચોરી કરવાની અનોખી મોડસ ઓપરેન્ડી એ પોલીસને પરેશાન કરી દીધા હતા, પણ કહેવાય છે કે ને ગુન્હેગાર ગમે તેટલો શાતીર હોય પોલીસ તેના સુધી પહોચી જ જાય છે.