મહિલા પોલીસ અને મહિલા આયોગના અધિકારી હોવાની ઓળખ આપી આ બન્ને મહિલાઓ...

મોબાઇલ રિચાર્જના બહાને વેપારીને ફસાવી 10 હજારની તોડ પણ કર્યો હતો

મહિલા પોલીસ અને મહિલા આયોગના અધિકારી હોવાની ઓળખ આપી આ બન્ને મહિલાઓ...

Mysamachar.in-વલસાડ

પોતે ના તો મહિલા આયોગ કે ના તો મહિલા પોલીસ હોવા છતાં આવી ખોટી ઓળખ પ્રસ્થાપિત કરી હનીટ્રેપની જાળમાં ફસાવતી બે મહિલાઓ અંતે પોલીસના હાથે લાગી ચુકી છે, રાજ્યના છેવાડે આવેલ વલસાડ જિલ્લાની પારડી પોલીસ સ્ટેશનમાં સેલવાસના એક દુકાનદારએ પોતે મહિલાઓ દ્વારા હનીટ્રેપનો ભોગ બન્યો હોવાની ફરિયાદ દાખલ થઈ હતી. પોતાની જાતને મહિલા પોલીસ અને મહિલા આયોગ અધિકારીની ઓળખ આપી યુવકોને ઠગતી આ બે યુવતીઓની તો હાલ પોલીસે ધરપકડ કરી છે.

યુવકોને યુવતીઓની એક ગેંગ ફોન પર વાત કરી અને પ્રેમજાળમાં ફસાવી રૂપિયા ખંખેરતી હતી. બે મહિલાઓએ દાદરા નગર હવેલીના એક દુકાનદાર યુવકને પહેલા પોતાની માયાજાળમાં ફસાવી હતી અને ત્યારબાદ પોતે મહિલા પોલીસમાં હોવાનું જણાવી અને તેની પાસેથી તોડના દસ હજાર પડાવી લીધા હતા. જો કે આ મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પારડી પોલીસે બે યુવતીઓ સહીત એક યુવકની ધરપકડ કરી લીધી છે.

શ્વેતા પટેલ અને જયશ્રી પટેલ નામની બે યુવતીઓના કારનામા અંગે વિગતવાર મળતી માહિતી પ્રમાણે, શ્વેતા ગેંગમાં મહિલા પોલીસનું પાત્ર ભજવતી હતી. જ્યારે જયશ્રી પટેલ યુવકોને ફોન પર રંગીન વાતો કરી ફસાવતી હતી. એવામાં થોડા દિવસ અગાઉ સેલવાસના સિવિલ હોસ્પિટલ નજીક સ્ટેશનરીની નાની દુકાન ધરાવતા કુણાલ ભંડારી નામના એક યુવક પોતે જ્યારે દુકાન પર હતો, તે વખતે જ જયશ્રી પટેલ નામની એક યુવતી દુકાન પર આવી હતી. અને પોતાના મોબાઈલ રિચાર્જ કરાવવાનું છે તેવું કઈ યુવકને પોતાનો મોબાઈલ નંબર આપ્યો હતો અને ત્યાર બાદ બંનેએ મોબાઈલ નંબરની આપ લે કરી હતી.

જોકે થોડા દિવસ બાદ જયશ્રીએ દુકાનદાર કુણાલ ભંડારીને ફોન પર કોઈ બહાને વાત કરી દોસ્તી કરી હતી અને ત્યારબાદ બંને વચ્ચે ફોન પર વાતચીત ચાલતી હતી. અચાનક જ કુણાલ ભંડારીને શ્વેતા પટેલ નામની એક મહિલાનો ફોન આવ્યો. શ્વેતાએ પોતાની ઓળખ મહિલા પોલીસ અધિકારી તરીકે આપી હતી અને તેણે કુણાલને જણાવ્યું કે, જયશ્રી નામની અનેક યુવતીને ફોન પર વાત કરી તેને પરેશાન કરતો હોવાની પોલીસમાં ફરિયાદ દાખલ થઇ છે. આથી આ કેસની પતાવટ કરવી હોય તો દસ હજાર રૂપિયા લઇ વલસાડ જિલ્લાના પારડીની જૂની મામલતદાર કચેરી નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર આવવા જણાવ્યું હતું.

જો પતાવટ નહીં કરે તો જેલની હવા ખાવાનો વખત આવશે આવી ધમકી પણ આપી હતી. આથી ભોગ બનેલી યુવક કુણાલ ભંડારીએ પતાવટ માટે રૂપિયા 10,000 આપી પતાવટ કરી હતી. જોકે ત્યારબાદ કુણાલ શક પડતા તેને તપાસ કરતા શ્વેતા પટેલ નામની કોઈ મહિલા પોલીસમાં ફરજ બજાવતી જ નહીં હોવાની હકીકત જાણવા મળી. આથી કુણાલ ભંડારીએ પોલીસ મથકે પહોચ્યો હતો અને પારડી પોલીસ સ્ટેશનમાં શ્વેતા પટેલ અને જયશ્રી નામની બે મહિલા સહીત જીતુ પટેલની ધરપકડ કરી લીધી છે.હાલ તો આ ટોળકી પોલીસના હાથમાં આવી ચુકી છે ત્યારે હવે તપાસ એ થશે કે આ ટોળકીએ પોતાનો શિકાર કોઈ અન્ય લોકોને બનાવ્યા છે કે કેમ..?