Mysamachar.in-અમદાવાદ
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસે બોગસ કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. આરોપીઓ બેંક લોન લેનારા અમેરિકી નાગરિકો ને ઈ-મેલ દ્વારા યેનકેન પ્રકારે દબાણ કરી રૂપિયા પડાવતા હતા. આ કૌભાંડની જાણ પોલીસને થતા રખિયાલ પોલીસે મુદ્દામાલ સહિત ફેક કોલ સેન્ટર ચલાવતા આરોપીઓને ઝડપી પાડયા છે. તપાસમાં સામે આવ્યું કે આરોપીઓએ કોમ્પ્યુટર રીપેરીંગ ના કામકાજ માટેનું બહાનું કરી મકાન ભાડે રાખી અને કોલ સેન્ટર ચલાવતા હતા,
ઓન લાઇન ઈ-મેલ કરીને બેન્કમાંથી લોન લેનાર અમેરિકન લોકોને રૂપિયા નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે અને તમારા ચેક પણ બાઉન્સ થઈ જશે તેવી ધમકીઓ આપી પોતાની વાતોમાં ભરમાવી રૂપિયા પડાવતા હતા. અમેરિકન ડોલર પેટે ચલણી નાણા મેળવવા માટે MONEY PACK કાર્ડનો ઉપયોગ કરાવી રૂપિયા મેળવતા હતા. આ ભેજાબાજ ટોળકીની કરતુતો રખિયાલ પોલીસના ધ્યાને આવતા પોલીસે રેડ કરી બે આરોપીઓને મોબાઈલ લેપટોપ રાઉટર અને રૂપિયા કરવાના મશીન સાથે ઝડપી પાડયા હતા,
બન્ને આરોપીઓ સુરેશ ઠાકોર અને નરેન્દ્ર કોરડીયા છેલ્લા છ મહિનાથી રખિયાલ વિસ્તારના રાજીવ નગરમાં ભાડે મકાન રાખીને ગેરકાયદેસર કોલ સેન્ટરનું કૌભાંડ ચલાવતા હતા. આરોપીઓ પાસેથી પકડાયેલા મુદ્દામાલમાં લેપટોપ રૂપિયા ગણવાનું મશીન પણ કબજે કર્યા છે, હાલ પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે પરંતુ આ કેસમાં અન્ય આરોપીઓને વોન્ટેડ બતાવી તેની સાથે સંડોવાયેલા બીજા સાગરીતોએ પકડવા પોલીસે તપાસનો તખ્તો તૈયાર કર્યો છે.