દિવસે ગાંડા, અંધ અને ભીખ માંગવાનું નાટક કરતા રાતે ચોરી કરતા....જામનગરમાં પણ આ રીતે હાથફેરો કર્યો છે 

દિવસે ગાંડા, અંધ અને ભીખ માંગવાનું નાટક કરતા રાતે ચોરી કરતા....જામનગરમાં પણ આ રીતે હાથફેરો કર્યો છે 

Mysamachar.in-સુરત:

જયારે જયારે કોઈ તસ્કર ગેંગ ઝડપાઈ અને પોલીસ તેની પાસે ગુન્હાઓની કબુલાત કરાવવા આગવી ઢબે પૂછપરછ શરુ કરે ત્યારે એવા તથ્યો સામે આવે કે અમુક કિસ્સાઓમાં પણ પોલીસ પણ વિચારતી રહી જાય...સુરતમાં આવી જ એક તસ્કર ગેંગ ઝડપાઈ છે જે દિવસે ગાંડા, અંધ અને ભીખ માંગવાનું નાટક કરી વહેલી સવારે ખુલ્લા ઘરોમાં ઘુસી કિંમતી સામાનની ચોરી કરતી તામિલનાડુના વેલ્લુર જિલ્લાની કુખ્યાત વઢેર ગેંગના 2 સાગરિતોને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપે પકડી પાડ્યા છે. આરોપીઓ પાસેથી પોલીસે 51 મોબાઈલ, 5 લેપટોપ સહિત રૂ 7 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

સુરતના વિવિધ વિસ્તારોમાં અંધ, ભિખારી અને ગાંડાનો વેશ ધારણ કરી વહેલી સવારે ખુલ્લા ઘરોને નિશાન બનાવી ચોરી કરવાની ઘટના વધી ગઈ હતી. એક પછી એક આ રીતની ચોરીઓની ઘટનાઓ વધતા સુરત પોલીસ પણ આ દિશામાં તપાસ કરી રહી હતી  દરમિયાન એસ.ઓ.જી પોલીસને બાતમી મળી હતી કે, આ જ રીતે ચોરી કરનાર ગેંગ સુરત પર્વત પાટિયા કેનાલ પાસે ફરી રહી છે. જે બાતમીના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પોલીસ પૂછપરછમાં તેઓએ પોતાનું નામ મુનીશાલી વઢી અને રવિચંદ્રન વઢી જણાવ્યું હતું. તેઓ મૂળ તામિલનાડુના વેલ્લુર જિલ્લાની કુખ્યાત વઢેર ગેંગના સાગરીત હોવાનો પણ ખુલાસો થયો. તથા તેઓની અલગ અલગ ટીમો વહેલી સવારે વિવિધ વિસ્તારોમાં ગાંડા, અંધ અને ભિખારી બની ફરતી હતી. જ્યાં પણ ખુલ્લું ઘર મળે કે તરત જ હાથ ફેરો કરી ભાગી છુટતા હતા. આ જ રીતે તેમની ગેંગે જામનગરમાં પણ હાથફેરો કર્યો હતો. પોલીસે આ સમગ્ર ઘટનામાં બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ લેવાની તજવીજ હાથ ધરી છે.