હદ કહેવાયને..પોલીસ કમિશ્નરનું ફેક પ્રોફાઈલ બની ગયું..જો કે...

બન્નેને દિલ્હીથી ઝડપી લઇ પૂછપરછ કરાઈ રહી છે

હદ કહેવાયને..પોલીસ કમિશ્નરનું ફેક પ્રોફાઈલ બની ગયું..જો કે...
symbolic image

Mysamachar.in-વડોદરા

સાઈબર ક્રાઈમના ગુન્હાનો વ્યાપ એટલી હદે વધી ચુક્યો છે, અમુક વખતે ખુદ સાઈબર સેલ સહિતના હથિયારો હેઠા પડી જતા હોય છે, કોઈ સામાન્ય માણસોના ફેક આઈડી બને ત્યાં સુધી તો ઠીક પણ પોલીસ કમિશ્નર કક્ષાના IPS અધિકારીનું ફેક પ્રોફાઈલ બની જાય તો....જી હા આ એકદમ સાચી વાત છે જેમાં વડોદરા શહેર પોલીસ કમિશ્નર ડો. શમશેર સિંગના ફોટાનો ઉપયોગ કરી સોશિયલ મીડિયામાં ફેક પ્રોફાઇલ બની હોવાનું તાજેતરમાં જ સામે આવ્યા બાદ આ ફેક પ્રોફાઈલ બનાવનારા 2 ભેજાબાજને સાયબર ક્રાઇમ પોલીસે દિલ્હીથી દબોચી લીધા હતા. પોલીસ કમિશ્નરે સોશિયલ મિડીયામાં આ બાબતે પોસ્ટ કરીને પોતાની ફેક પ્રોફાઇલ બનાવનારાને પોલીસે પકડી લીધા હોવાની જાણકારી આપી હતી.

ગત શનિવારે શહેર પોલીસ કમિશ્નર ડો.શમશેર સિંગના ફોટાનો ઉપયોગ કરી કોઇએ ફેક પ્રોફાઇલ બનાવી લીધું હતું અને શહેરમાં લોકોને સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાનું શરૂ કર્યું હતું. જોકે સમગ્ર મામલો ખુદ સીપી શમશેર સિંગના ધ્યાનમાં આવતાં તેમણે આ ફેક પ્રોફાઇલ ડિએક્ટિવેટ કરાવ્યું હતું અને સાઇબર ક્રાઇમ બ્રાન્ચને તપાસ કરવા જણાવ્યું હતું. સાઇબર ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમોએ ત્વરીત તપાસ કરીને ગઠિયાને ઓળખી પણ લીધો હતો.

સીપી શમશેર સિંગે જાતે જ સોશિયલ મીડિયામાં આ બાબતે પોસ્ટ શેર કરી જાણકારી આપી હતી અને આ પ્રોફાઇલ પરથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો તે એક્સેપ્ટ ન કરવા તેમજ ફેક પ્રોફાઇલ બનાવનારાની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું. દરમિયાન, સાયબર ક્રાઇમ પોલીસની તપાસમાં ફેક પ્રોફાઇલ બનાવનારા 2 ભેજાબાજ દિલ્હીમાં હોવાનું જણાતા પોલીસની ટીમ દિલ્હી ખાતે પહોંચી બંને શખ્સને દબોચી લીધા હતા. પોલીસે બંનેની પૂછપરછ હાથ ધરી છે. આમ આટલા ઉચ્ચ અધિકારીનું પણ જો ફેક પ્રોફાઈલ બની જતું હોય તો સામાન્ય લોકોએ સોશ્યલ મીડિયાનો બિન્દાસ્ત થઈને ઉપયોગ કરી રહ્યા છે તેને પણ ચેતવા જેવો આ કિસ્સો છે.