Mysamachar.in-જામનગર:
જામનગર શહેર અને જિલ્લામાં ભાદરવામાં પણ, ગત્ વર્ષની માફક, વરસાદ વરસી રહ્યો છે. ગત્ રવિવારથી સમગ્ર જિલ્લા ઉપરાંત દ્વારકા પંથકમાં પણ લગભગ રોજ વરસાદ નોંધાઈ રહ્યો છે. આજે સવારે છ વાગ્યે પૂર્ણ થતાં ચોવીસ કલાક દરમ્યાન જામનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં સાર્વત્રિક વરસાદનો એક રાઉન્ડ મંગળવારે નોંધાયો છે.
મંગળવારે જામનગર શહેરમાં 41 મિમી ( આશરે પોણા બે ઇંચ) વરસાદ નોંધાયો હતો. કેટલાંક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત જામનગર નજીકના વસઈમાં 62 મિમી ( આશરે અઢી ઇંચ) તથા લાખાબાવળમાં 50 મિમી ( બે ઈંચ) વરસાદ મંગળવારે નોંધાયો છે. આ ઉપરાંત અન્ય મુખ્ય આંકડા જોઈએ તો, જામજોધપુરનાં ધુનડામાં 56 અને નજીકના વાંસજાળિયા ખાતે 48 મિમી તથા જામનગર નજીકના દરેડ ગામે 45 મિમી વરસાદ નોંધાયો છે. જામજોધપુરનાં જામવાડીમાં 51 અને ભણગોરમાં 48 મિમી વરસાદ નોંધાયો છે. સમગ્ર જિલ્લામાં 2 મિમી થી માંડીને 45 મિમી જેટલો વરસાદ નોંધાયો છે.
લાલપુર તાલુકાના પડાણામાં 40 મિમી, ડબાસંગમાં 37 અને મોડપરમાં 35 મિમી, જામજોધપુરનાં પરડવામાં 52 મિમી, સમાણામાં 38 અને શેઠવડાળામાં 35 તથા ધ્રાફામાં 34 મિમી, કાલાવડ તાલુકાના મોટા પાંચદેવડામાં 30 તથા નવાગામ અને મોટા વડાળામાં 25-25 મિમી વરસાદ નોંધાયો છે.જિલ્લા કંટ્રોલ રૂમનાં આંકડા મુજબ, જામનગર તાલુકામથકે 41 મિમી વરસાદ નોંધાવા સાથે, કાલાવડમાં 27 તથા ધ્રોલમાં 4 મિમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જિલ્લાના જોડિયામાં 17, લાલપુરમાં 61 અને જામજોધપુરમાં 29 મિમી વરસાદ નોંધાયો હતો. આજે બુધવારે પણ સવારથી જામનગર શહેર અને જિલ્લામાં વરસાદી વાતાવરણ છે. જામનગર શહેરમાં સવારે પણ હળવા ઝાપટાં પડયા હતા.