ઝુંપડામાં સુતેલા લોકો પર કાળમુખો ટ્રક ફરી વળ્યો, 8 લોકોના મોત 

રાજ્ય સરકારે દુખ વ્યક્ત કરી 4 લાખની સહાય જાહેર કરી 

ઝુંપડામાં સુતેલા લોકો પર કાળમુખો ટ્રક ફરી વળ્યો, 8 લોકોના મોત 

Mysamachar.in-અમરેલી:

રાજ્યમાં દિનપ્રતિદિન માતેલા સાંઢની જેમ દોડી રહેલા વાહનો કોઈ ને કોઈ નિર્દોષનો ભોગ લઇ રહ્યા છે, થોડા દિવસો પૂર્વે અમદાવાદમાં કારે પુરપાટ ઝડપે ચલાવી અને ફૂટપાથ પર સુતેલા લોકોને અડફેટ લીધાનો બનાવ નજર સમક્ષ છે ત્યાં જ એક ગોજારી ઘટના અમરેલી જિલ્લામાં સામે આવી છે, અમરેલી જિલ્લામાં આવેલા સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામ નજીક રાતે 3 વાગ્યા આસપાસ આ ગોજારો અકસ્માત સર્જાયો છે. બાઢડા નજીક રોડની સાઇડમાં આવેલા કેટલાક પરિવારો સૂતા હતા ત્યારે અચાનક ટ્રક આવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં 8 લોકોના ઘટનાસ્થળે મોત નીપજ્યા છે અને 4થી વધુ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.

મહુવા તરફ ટ્રક જતો હતો. ત્યારે ડ્રાઇવરે કાબુ ગુમાવતા ટ્રક ઝૂંપડાઓ તરફ ધસી ગયો હતો અને ત્યારબાદ 8 ફૂટ ઊંડા ખાડામાં ગરકાવ થઈ ગયો હતો. જેમાં રસ્તાની સાઇડમાં ઝૂંપડા બાંધી ઊંઘી રહેલા લોકો માથે ટ્રક ચડી જતા 8 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે અન્ય કેટલાક લોકો ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાનીએ ટ્વીટ કરી દુખ વ્યક્ત કર્યું હતું અને મૃતકોને ચાર ચાર લાખની સહાયની જાહેરાત કરી છે.